ભારતમાં સંગીતની દુનિયા પર સાત-સાત દાયકા સુધી એકચક્રી શાસન કરી ચાહકોના દિલમાં કાયમી સ્થાન જમાવનારાં ભારત રત્ન લતા મંગેશકરે રવિવારે (6 જાન્યુઆરી) પોતાની સંગીતયાત્રા આટોપી લીધી હતી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સવારે ૮.૧૨ કલાકે તેમનો જીવન દીપ બુઝાઈ ગયો હતો. સદીની મહાન ગાયિકાના નિધનના સમાચાર વીજળી વેગે દુનિયાભરમાં ફરી વળતા ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યોના મુખ્ય પ્રધાનો તેમજ ગવર્નર્સ, ભારતીય ફિલ્મી જગતના માંધાતાઓ, ક્રિકેટ જગતના સિતારાઓ, પાકિસ્તાન તથા નેપાળના નેતાઓએ સ્વર કિન્નરીને ભવ્ય અંજલિઓ આપી હતી. સોમવારે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. રવિવારે અને સોમવારે દેશભરના માધ્યમોના સમાચારોના મથાળામાં લતા દીદી છવાયેલા રહ્યા હતા.
લતા મંગેશકર કોરોના પોઝિટિવ આવતા તેમને 11 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના ઉપરાંત તેમને ન્યૂમોનિયા હોવાનું પણ નિદાન થયું હતું. તેઓ શરૂઆતથી જ ICUમાં એડમિટ હતા. તેમની રિકવરી ધીરે-ધીરે થઈ રહી હતી. 28 જાન્યુઆરીએ તબિયતમાં સુધારો થતાં વેન્ટિલેટર હટાવી લેવાયું હતું. પરંતુ 5 ફેબ્રુઆરીએ તેમની તબિયત ફરી લથડતાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યાં હતાં. રવિવારે સવારે 8.12 કલાકે લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા હતા. શિવાજી પાર્કમાં તેમના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને મૂકવામાં આવશે. લતા મંગેશકરના બહેન ઉષા મંગેશકરે આ માહિતી આપી હતી.
ભારતીય સિનેમાના મહાન પાર્શ્વ ગાયક લતા મંગેશકરે પોતાના કરિયરની શરૂઆત 13 વર્ષની વયે કરી હતી. ભારતના બુલબુલ તરીકે જાણીતાં લતા મંગેશકરે 1942માં પોતાનું પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું. સાત દશકા લાંબા કરિયરમાં તેમણે 30,000થી વધુ ગીતો ગાયા છે. ‘એક પ્યાર કા નગમા હૈ’, ‘રામ તેરી ગંગા મેલી’, ‘એક રાધા એક મીરા’, ‘દીદી તેરા દેવર દિવાના’ વગેરે જેવા કેટલાય ગીતો જે આજે લોકકંઠે છે.
લતા મંગેશકરને 1969માં ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1999માં તેમને દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણ આપવામાં આવ્યું હતું. 2001ની સાલમાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી કોકિલ કંઠિલ લતા મંગેશકરને નવાજવામાં આવ્યા હતા. માત્ર ભારતના જ નહીં વિદેશના પ્રતિષ્ઠિત અવોર્ડ પણ લતા મંગેશકરને એનાયત થયા છે. 2009માં ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન તેમને આપવામાં આવ્યું હતું.
લતા મંગેશકરનું અવસાન થતાં દેશ અને દુનિયાભરના તેમના ચાહકો દુઃખી થયા હતા. છેલ્લા કેટલાય દિવસથી લતા દીદીના સાજા થવાની પ્રાર્થના કરી રહેલા લોકો માટે 6 ફેબ્રુઆરીની સવાર આઘાત લઈને આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરના અવસાન પર શોક વ્યક્ત કરતા ટ્વિટ કરીને લખ્યું, હતું કે “મારી પાસે દુઃખ વ્યક્ત કરવા માટે શબ્દો નથી. દયાળુ અને પ્રેમાળ લતા દીદી આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ આપણાં દેશમાં એવો શુન્યઅવકાશ મૂકી ગયા છે કે જે ક્યારેય નહીં પૂરાય. આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના સમર્થક તરીકે યાદ કરશે. તેમનો મધુર અવાજ લોકોને મંગમુગ્ધ કરી દેતો હતો.”
પીએમ મોદી ઉપરાંત રણવીર સિંહ, દિયા મિર્ઝા, અજય દેવગણ, વીર દાસ, પરેશ રાવલ, હંસલ મહેતા, પૂજા ચોપરા, ગૌરવ ખન્ના, મધુર ભંડારકર વગેરે જેવા સેલેબ્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો
લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ સંગીતકાર દીનાનાથ મંગેશકરના ઘરે થયો હતો. લતા મંગેશકરના ચાર ભાઈ-બહેનો છે. જેમાં મીના ખાંડિકર, આશા ભોંસલે, ઉષા મંગેશકર અને હૃદયનાથ મંગેશકરનો સમાવેશ થાય છે. દીનાનાથ મંગેશકરના પાંચ સંતાનોમાંથી લતા મંગેશકર સૌથી મોટાં હતાં.