લતા મંગેશકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા. તેમની અંતિમયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, આમિર ખાન, અનુપમ ખેર, ગીતકાર જાવેદ અખ્તર અને પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ પહોંચ્યા હતા. લતા મંગેશકરના સશસ્ત્ર સલામી અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભાઈ હૃદયનાથ મંગેશકરે લતા મંગેશકરને મુખાગ્નિ આપી હતી. હવે લતા મંગેશકર કાયમ માટે પંચતત્વમાં વિલીન થઇ ગયા છે.
લતા મંગેશકરની અંતિમ યાત્રામાં હજારો લોકો એકઠા થયા હતા અને લોકોએ તેમને ભીની આંખે વિદાય આપી હતી. ગાયિકા આશા ભોસલે અને તેમનો આખો પરિવાર અંતિમ સંસ્કારમાં હાજર હતો. મહારાષ્ટ્રના મુખ્યમંપ્રધાન ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, રાજ ઠાકરે અને અન્ય નેતાઓએ શિવાજી પાર્ક પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
લતાજીના નિધન પર મોદીએ પોતાના ટ્વીટ સંદેશમાં કહ્યું હતું કે, લતા દીદીને ભારતીય સંસ્કૃતિના કર્ણઘાર તરીકે યાદ કરવામાં આવશે. લતા દીદીના અવાજમાં મંત્રમુગ્ધ કરવાની અદભૂત ક્ષમતા હતી. તેમણે દેશમાં એક શૂન્યાવકાશ છોડી દીધો જે ભરી શકાતો નથી. લતા દીદી હંમેશા એક મજબૂત અને વિકસિત ભારત જોવા ઈચ્છતા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે લતા દીદીના ગીતોએ ઘણી ભાવનાઓને જન્મ આપ્યો. તેમણે ફિલ્મી દુનિયામાં થતા ફેરફારોને નજીકથી જોયા હતા.