ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે બુધવાર, 16 નવેમ્બરે 37 ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી હતી. યાદીમાં પાંચ વર્તમાન ધારાસભ્યોને પડતા મૂક્યા છે અને અન્ય સાતને જાળવી રાખ્યા છે. તાજેતરની યાદી સાથે કોંગ્રેસે તે લડશે તેવી તમામ 179 બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની કવાયત પૂર્ણ કરી લીધી છે. પાર્ટીએ તેના ચૂંટણી પૂર્વ જોડાણના ભાગરૂપે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માટે ત્રણ બેઠકો- ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયા છોડી દીધી છે.
પાર્ટીએ વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલની સામે લાખા ભરવાડને મેદાનમાં ઉતાર્યા છે, બીજી તરફ વિસનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલની સામે કિરીટ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
37 ઉમેદવારમાં બે મહિલાઓ સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઈને અમૃત ઠાકોર કાંકરેજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. બીજી તરફ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને બાયડથી ટિકિટ આપવામાં આવી છે. ધંધુકાથી યુવા નેતા હરપાલસિંહ ચુડાસમાને ટિકિટ મળી છે.
37 પૈકી 10 બેઠકો એવી કે જ્યાં વર્તમાન ધારાસભ્ય છે, છતાં પણ કોને ટિકિટ આપવી તેને લઈને પાર્ટીમાં મૂઝવણ હતી. જો.કે પ્રદેશ નેતૃત્વ દ્વારા ઉમેદવારોના નામ પર સતત મંથન કરવામાં આવ્યા બાદ એક યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદીને દિલ્હી હાઈકમાન્ડની પાસે મોકલવામાં આવી હતી. હાઇકમાન્ડના સિનિયર નેતાઓએ રાજકીય સમીકરણોના આધારે અંતે નામો પર મહોર મારી હતી.
કોંગ્રેસે અગાઉ તેના સ્ટાર પ્રચારકોની પણ યાદી જાહેર કરી હતી. આમાં સોનિયા, રાહુલ, પ્રિયંકા, ગેહલોત, બઘેલ સહિત 40 નેતાઓના નામ સામેલ છે.
કોંગ્રેસે પડતા મૂકેલા વર્તમાન ધારાસભ્યોમાં ભરતજી ઠાકોર (બેચરાજી મતવિસ્તાર), જશુભાઈ પટેલ (બાયડ), રાજેશ ગોહિલ (ધંધુકા), નિરંજન પટેલ (પેટલાદ) અને વજેસિંહ પનાડા (દાહોદ)નો સમાવેશ થાય છે. વિરોધ પક્ષે પાલનપુર (મહેશ પટેલ), દિયોદર (શિવા ભુરીયા), વિરમગામ (લાખા ભરવાડ), ઠાસરા (કાંતિ પરમાર), કપડવંજ (કાળાભાઈ ડાભી), બાલાસિનોર (અજીતસિંહ ચૌહાણ) અને પાદરા . (જશપાલસિંહ પઢિયાર) એમ સાત બેઠકો પર ધારાસભ્યો જાળવી રાખ્યા છે
રાજ્યની તમામ 182 મતવિસ્તારો માટે 1 ડિસેમ્બરે (89 બેઠકો) અને 5 ડિસેમ્બરે (93 બેઠકો) ચૂંટણી યોજાશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.