ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે ‘નિસર્ગ’ વાવાઝાડોની અસરના પગલે ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ હળવદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે બોટાદમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના થરાદ, મોરબીના ટંકારા, વડોદરાના ડભોઈ અને ખેડાના કઠલાલમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.ગુજરાતમાં 131 તાલુકાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી તેની વિગતવાર વાત કરીએ તો, હળવદમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે બોટાદમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોએ વાવણી કરવાની શરૂઆત કરી દીધી હતી અને ખુશીની લહેર જોવા મળી હતી.
અમદાવાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. જેમાં સાણંદમાં 30 મીમી, ધોળકામાં 27 મીમી અને ધંધુકામાં 25 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે અમદાવાદ શહેરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ટંકારામાં 52 મીમી, માળિયા મીયાણામાં 29 મીમી, મોરબીમાં 71 મીમી, બોટાદમાં 66 મીમી, રાજકોટના જસદણમાં 22 મીમી, જામનગરના જોડિયામાં 12 મીમી, કાલાવડમાં 2 મીમી અને ચોટીલા 32 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું.
ભારે પવન સાથે રાજકોટમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.મધ્ય ગુજરાતની વાત કરીએ તો, ખેડા કઠલાલ 45 મીમી, મહેમદાવાદ 37 મીમી, નડિયાદ 26 મીમી, સંખેડા 25 મીમી અને ડભોઈમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.
જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. જેમાં પ્રાંતિજમાં 29 મીમી, મોડાસામાં દોઢ ઈંચ, થરાદમાં બે ઈંચ, અમીરગઢમાં 18 મીમી, વાવમાં 11 મીમી, પાલનપુરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત હિંમતનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, નવસારી 14 મીમી, જલાલપોર 05 મીમી, ગણદેવી 05 મીમી, ખેરગામ 10 મીમી, સુબીર 29 મીમી, નર્મદાના સાગબારા 25 મીમી અને વલસાડના ઉમરગામમાં 24 મીમી વરસાદ નોંધાયો હતો.