ચીનની આર્મી (istockphoto)

જર્મનીની ડેટાબેઝ કંપની સ્ટેટિકાએ દુનિયામાં સૌથી મોટી લશ્કરી સેના ધરાવતા દેશોની યાદી જાહેર કરી છે. દર વખતની જેમ આ વખતે પણ આ યાદીમાં સૌથી મોટી સેના સાથે ચીન પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત બીજા ક્રમે સૌથી મોટી આર્મી ધરાવે છે. પાકિસ્તાન આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે, જ્યારે અમેરિકા ત્રીજા સ્થાને છે.

સ્ટેટિકાના તાજેતરના અહેવાલ મુજબ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દુનિયાની સૌથી મોટી સેના છે. 2021માં ચીનની આર્મીમાં સૈનિકોની કુલ સંખ્યા 21.85 લાખ હતી. ચીનના સશસ્ત્રદળોને પાંચ શાખામાં વિભાજિત કરવામાં આવેલા છે, જેમાં ગ્રાઉન્ડ ફોર્સ, હવાઇદળ, રોકેટ ફોર્સ અને સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સનો સમાવેશ થાય છે. ચીનના લશ્કરના એકમો પાંચ કમાન્ડમાં વિભાજિત કરવામાં આવેલા છે.

સૈનિકોની સંખ્યાના સંદર્ભમાં ચીન પછી બીજો ક્રમ ભારતનો આવે છે. ભારતીય આર્મીમાં સૈનિકોની કુલ સંખ્યા આશરે 14.45 લાખ છે. તેમાં ભૂમિદળ, હવાઇદળ અને નૌકાદળના સૈનિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારત પાસે દુનિયાની સૌથી મોટી પેરામિલિટ્રી ફોર્સ (અર્ધલશ્કરી દળો) છે. તેમાં સરહદ સુરક્ષા દળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ, કેન્દ્રીય ઔદ્યોગિક પોલીસ ફોર્સ, સશસ્ત્ર સીમાદળ, ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ, એનએસજી, એસપીજીનો સમાવેશ થાય છે.

સૈનિકોની સંખ્યાના સંદર્ભમાં દુનિયામાં અમેરિકા ત્રીજા સ્થાને આવે છે. અમેરિકાની આર્મીમાં તમામ શાખામાં સૈનિકોની સંખ્યા આશરે 14 લાખ છે. સૌથી મોટી આર્મી ધરાવતા ટોચના દસ દેશોમાં ચીન, ભારત, અમેરિકા, ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન, દક્ષિણ કોરિયા, ઇરાન, વિયેતનામ અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. આ યાદીમાં આશરે 2.04 લાખ સાથે બાંગ્લાદેશ તળિયાના સ્થાને છે.

ભારત કરતાં અડધા સૈનિકો સાથે પાકિસ્તાન છઠ્ઠા ક્રમે

ભારતની સરખામણીમાં પાકિસ્તાનના સૈનિકોની સંખ્યા અડધી પણ નથી. અહેવાલ અનુસાર પાકિસ્તાન પાસે દુનિયામાં છઠ્ઠા ક્રમે સૌથી મોટી આર્મી છે. 2021માં પાકિસ્તાનની આર્મીમાં સૈનિકોની કુલ સંખ્યા આશરે 6.54 લાખ છે. પાકિસ્તાનના ભૂમિદળમાં 5.40 લાખ, નૌકાદળમાં 53,000 અને હવાઇદળમાં 69,000 સૈનિકો છે.

 

કયા દેશો પાસે કેટલાં સૈનિકો

દેશ સંખ્યા
ચીન 21.85 લાખ
ભારત 14.45 લાખ
અમેરિકા 14 લાખ
પાકિસ્તાન 6.54 લાખ
બાંગ્લાદેશ 2.04 લાખ