વૈશ્વિક અર્થતંત્ર મંદી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અગ્રણી ટેકનોલોજી કંપનીઓ મોટાપાયે છટણી કરે તેવી શક્યતા છે. ટ્વિટર પછી સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં પણ ચાલુ સપ્તાહમાં મોટી છટણી કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર મેટામાં આગામી બુધવારે એટલે કે ૯ નવેમ્બરે મોટા પાયે છટણીની પ્રક્રિયા શરૂ થઇ જશે. અહેવાલમાં દાવો કરાયો છે કે છટણીની આ પ્રક્રિયાના દાયરામાં હજારો કર્મચારીઓ આવી જશે. મેટાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે છટણી થશે. સપ્ટેમ્બરના અંતમાં સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે મેટામાં કુલ ૮૭૦૦૦ કર્મચારીઓ છે. ચાલુ વર્ષે મેટાના બજારમૂલ્યમાં ભારે ધોવાણ થયું હતું.
એમેઝોને જાહેરાત કરી છે કે તે કેટલાક હોદ્દા પર ભરતી કરશે નહીં, જ્યારે એપલે જણાવ્યું છે કે તે કેટલાક વિભાગોમાં ભરતી બંધ કરવા જઇ રહ્યું છે. થોડા મહિના પહેલા જ દિગ્ગજ ટેકનોલોજી કંપની ગૂગલ અને ફેસબુકે પણ ભરતી પર બ્રેક મારી દીધી છે. આ ઉપરાંત કેટલીક સ્ટાર્ટ-અપે તો મોટા પાયે છટણી કરી છે. ટ્વીટરે પણ અગાઉ 50 ટકા સ્ટાફ ઘટાડ્યો હતો.
નફામાં ઘટાડો અને મંદીની ભયે આ કંપનીઓ ખર્ચ ઘટાડી રહી છે. કેપીએમજીના એક સર્વે અનુસાર આગામી કેટલાક મહિનાઓમાં બીજી અનેક કંપનીઓ છટણી કરી શકે છે. માઇક્રોસોફ્ટે પણ લગભગ ૧૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની યોજના બનાવી હોવાના અહેવાલ છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તમામ કંપનીઓની જેમ અમે પણ અમારી કંપનીની પ્રાથમિકતાની સમીક્ષા કરી રહ્યાં છીએ. ઇન્ટેલમાં પણ હજારો કંપનીઓની છટણીની શક્યતા છે. કંપનીની સેલ્સ અને માર્કેટિંગ ટીમ પર સૌથી વધુ અસર જોવા મળશે. કંપની ૨૦ ટકા સ્ટાફ ઘટાડી શકે છે.