શ્રીલંકામાં અસાધારણ રાજકીય ઉથલપાથલ બાદ મુખ્ય વિરોધ પક્ષો સર્વપક્ષીય વચગાળાની સરકાર રચવા સંમત થયા છે. બુધવારે પ્રેસિડન્ટ ગોયાબાયા રાજપક્ષેના સંભવિત રાજીનામા બાદ સર્વપક્ષીય વચગાળાની સરકાર રચવા માટે રવિવારે વિરોધ પક્ષો સંમત થયા છે. શનિવારે લોકોના પ્રચંડ વિરોધી દેખાવને પગલે પ્રેસિડન્ટ અને વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘે રાજીનામાની જાહેરાત કરવી પડી હતી.
રાજપક્ષેના રાજીનામાં બાદ હાલની અસાધારણ આર્થિક કટોકટીમાંથી દેશને બહાર કાઢવા વિરોધ પક્ષોએ ચર્ચાવિચારણા કરી હતી. સતારૂઢ પોડુજાના પેરામુના પાર્ટીના બળવાખોર જૂથના વડા વિમલ વીરવંસાએ જણાવ્યું હતું કે અમે વચગાળાના સમય માટે તમામ પક્ષોની ભાગીદારી સાથે સહિયારી સરકારની રચના કરવા સૈદ્ધાંતિક રીતે સંમત થયા છીએ. આ સરકારમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓ હશે. સત્તારૂઢ પક્ષના બીજા એક જૂથના નેતા વસુદેવ નાનાયક્કારાએ જણાવ્યું હતું કે 13 જુલાઈએ રાજપક્ષેના રાજીનામાની રાહ જોવાની જરૂર નથી.
મુખ્ય વિપક્ષ સમાગી જન બાલાવેગયા પાર્ટીએ જણાવ્યું હતું કે તેમણે આંતરિક ચર્ચાવિચારણા કરી છે. પાર્ટીના મહામંત્રી મદ્દુમા બંદારાએ જણાવ્યું હતું કે અમે મર્યાદિત સમયગાળા માટે તમામ પક્ષોની વચગાળાની સરકાર બનાવવા અને તે પછી સંસદીય ચૂંટણી કરાવવા માગીએ છીએ. રાજકીય પક્ષોના નેતાઓ નવી સરકારને સત્તા સોંપવા માટે સંસદનું સત્ર બોલાવવાની ચર્ચા કરવા સોમવારે બપોરે બેઠક યોજશે.
શ્રીલંકાના બંધારણ મુજબ સંસદમાં વોટિંગ થાય અને પ્રેસિડન્ટની નિમણુક થાય ત્યાં સુધીમાં હાલના વડાપ્રધાન આપોઆપ કાર્યકારી પ્રેસિડન્ટ બને છે. દેખાવકારોએ પ્રેસિડન્ટ અને વડાપ્રધાન બંનેના રાજીનામા માંગ્યા હતા અને બંનેના રાજીનામાંથી સ્પીકર અબેયવર્ધના કાર્યકારી પ્રેસિડન્ટ બનશે.