શ્રીલંકામાં ભયંકર આર્થિક કટોકટીને પગલે સમગ્ર દેશમાં સરકાર સામે જનાક્રોશ ભભૂકી ઉઠાવ્યો છે અને લોકોના પ્રચંડ વિરોધને પગલે મંગળવાર (10મે)એ ભૂતપૂર્વ વડાપ્રધાન મહિંદા રાજપક્ષે અને તેમના પરિવારે પૂર્વ શ્રીલંકાના ત્રિનકોમાલી નેવલ બેઝમાં શરણ લીધી હોવાનો મીડિયા અહેવાલ છે. તેમને એક હેલિકોપ્ટર દ્વારા બેઝ સુધી લઈ જવાયા હતા. આ અંગેની જાણકારી મળતા દેખાવકારો નેવલબેઝની બહાર એકત્ર થયા હતા. સરકાર સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની હિંસામાં એક સાંસદ સહિત 8 લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે.
શ્રીલંકામાં આર્થિક કટોકટીને પગલે ગૃહયુદ્ધ જેવા સ્થિતિ ઊભી થઈ છે. સોમવારે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ વિપક્ષ અને લોકોના પ્રચંડ દબાણમાં પગલે રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાથી નારાજ સમર્થકોએ રાજધાની કોલંબોમાં હિંસક દેખાવો કર્યા હતા. તેનાથી વિરોધીઓ પણ ગુસ્સે થયા હતા. કોલંબો નેશનલ હોસ્પિટલે જણાવ્યું કે અત્યારે સારવાર માટે 217 લોકો અહીં દાખલ છે. લોકોએ પ્રેસિડન્ટ ગોટાબાય રાજપક્ષેના પૈતૃક ઘરને પણ આંગ ચાંપી દીધી હતી.
દેખાવકારો પ્રેસિડન્ટ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની પણ માગ કરી રહ્યા છે. કોલંબોમાં સરકાર સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સંઘર્ષ થતાં સમગ્ર દેશમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. કોલંબોમાં સેનાના જવાનોને પણ હાજર રાખવામાં આવ્યા છે.
આર્થિક કટોકટીને પગલે દેશમાં હાલ અનાજ, ઇંધણ અને દવા જેવી તમામ આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછત છે. મોટાભાગના વિસ્તારોમાં વીજળી સપ્લાય પણ બંધ થઈ ગયો છે. 9 એપ્રિલથી પ્રેસિડન્ટ ગોટાબાયા રાજપક્ષેની ઓફિસની બહાર દેખાવો કરી રહેલા લોકો પર પ્રેસિડન્ટના વફાદારોએ હુમલો કર્યો હતો. પોલીસે ભીડને વિખેરી નાંખવા માટે ટીયર ગેસ અને વોટર કેનનનો સહારો લીધો હતો. ટ્રેડ યુનિયનના ભારે વિરોધ પ્રદર્શનને પગલે શુક્રવારે સરકારે ઇમર્જન્સી લાદીને લશ્કરને વ્યાપક સત્તાઓ આપી હતી. ટ્રેડ યુનિયને 17મેએ રાષ્ટ્રીય સંસદનો ઘેરાવો કરવાની જાહેરાત કરી છે.