શ્રીલંકામાં કોરોનાના કેસ વધતા મોટી સભાઓ અને લોકોના એક્ત્ર થવા ઉપર પ્રતિબંધ હોવા છતાં મહોત્સવનું આયોજન કરવા બદલ એક હિન્દુ મંદિરના ઉચ્ચ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. કોલંબો ગેઝેટ અખબારમાં જણાવ્યા મુજબ તમિલો મોટી સંખ્યામાં વસે છે તે જાફનામાં શ્રી કામાક્ષી અમ્મન કોવિલ મંદિરમાં આયોજિત મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં માસ્ક પહેરવાના તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન થયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, મહોત્સવ પર પ્રતિબંધ હોવા છતાં તેનું આયોજન કરવા બદલ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને સેક્રેટરીની ધરપકડ કરવામાં આવી છે. સરકારે આવા મોટા કાર્યક્રમો પર 31 મે સુધી પ્રતિબંધ મુક્યો છે.
સિંહાલા અને તામિલ નૂતન વર્ષ પછી શ્રીલંકામાં ત્રીજા સ્તરનું એલર્ટ જારી કરાયા પછી તાજેતરમાં સરકારે ટ્યૂશન ક્લાસીસ, મેળાવડા અને જાહેરસભાના આયોજનો પર 31 મે સુધી પ્રતિબંધ મુક્યો છે.
આરોગ્ય અધિકારીઓએ મધ્ય એપ્રિલમાં નવા વર્ષના તહેવારો પછી કોરોનાના કેસમાં વધારો થવાની આગાહી કરી હતી. નવી આરોગ્યલક્ષી માર્ગદર્શિકા મુજબ કેસીનો, નાઇટ ક્લબ અને બીચ પર આયોજિત પાર્ટીઓ પર હંગામી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સરકારી અને ખાનગી ઓફિસોમાં ઓછામાં ઓછા કર્મચારીઓથી કામ કરવાની અને અન્યોને ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી હતી.