ઝારખંડના રાંચીની સ્પેશ્યલ કોર્ટે મંગળવારે ઘાસચારા કૌભાંડના એક કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડીના વડા લાલુપ્રસાદ યાદવને દોષિત જાહેર કર્યા હતા. ઘાસચારા કૌભાંડના કુલ પાંચ કેસોમાં અત્યાર સુધી લાલુ યાદવ દોષિત જાહેર થઈ ચુક્યા છે. સીબીઆઇની કોર્ટે દોરાંદા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે રૂ.139.35 કરોડના ઉપાડ માટે લાલુને દોષિત ઠેરવ્યા હતા. લાલુ યાદવ અને બીજા 39 આરોપીઓને સજાની જાહેરાત 21 ફેબ્રુઆરીએ થશે.
જજ સી કે શાસ્ત્રી પોતાનો ચુકાદો સંભાળવશે ત્યારે લાલુ યાદવ સહિત બીજા 98 આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યાં હતા. આમાંથી કોર્ટે 24 વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે 35 આરોપીઓને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. તેમાં ભૂતપૂર્વ સાંસદ જગદીશ શર્માનો સમાવેશ થાય છે.
950 કરોડ રૂપિયાના દેશના બહુચર્ચિત ઘાસચારા કૌભાંડના સૌથી મોટા દોરંદા ટ્રેઝરી કેસમાં મંગળવારે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ પહેલાં કૌભાંડના ચાર કેસ લાલુ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. તેઓ અત્યારસુધી 6 વાર જેલ ગયા છે. અત્યારે પહેલાંના દરેક કેસમાં જામીન મળ્યા છે.