સીબીઆઇએ રેલવેમાં લેન્ડ ફોર જોબ્સ કૌભાંડમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવના ગાઢ સહયોગી ભોલા યાદવની બુધવારે ધરપકડ કરી હતી. યુપીએ સરકારમાં લાલુ પ્રસાદ રેલવે પ્રધાન હતા ત્યારે આ કૌભાંડ થયું હતું. ભોલા યાદવ 2005થી 2009 દરમિયાન લાલુ યાદવનો ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યૂટી (ઓએસડી) હતો.
સીબીઆઇ બુધવારે તેના ચાર ઠેકાણા દરોડા પાડ્યા હતા અને આ કૌભાંડના લાભાર્થી એક રેલવે કર્મચારીની ધરપકડ કરી હતી. રાજદના ટેકેદારો ભોલા યાદવને લાલુના હનુમાન તરીકે ઓળખતા હતા. આ કૌભાંડ હેઠળ રેલવેમાં નોકરીને બદલે ઉમેદવારના પરિવારની આશરે એક લાખ ચોરસફુટ જમીન લાલુના પરિવારને ટ્રાન્સફર કરાઈ હોવાનું માનવામાં આવે છે. સીબીઆઇને આશંકા છે કે ભોલા યાદવે નોકરી અપાવવામાં અને જમીન ટ્રાન્સફર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.