ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સ્થાપક અને વેન્ચર કેપિટલિસ્ટ સાથે લાખો પાઉન્ડના રોકાણ બાબતે લંડનમાં હાઈકોર્ટની લડાઈમાં ફસાયેલા લલિત મોદીએ જજને કહ્યું હતું કે તેમણે રોકાણ કરનાર વેન્ચર કેપીટાલીસ્ટને કંઈ પણ ‘ખોટું’ કહ્યું નથી.
ભૂતપૂર્વ મોડલ ગુરપ્રીત ગિલ-માગ અને તેના દ્વારા ચલાવતી કંપની ક્વોન્ટમ કેર દ્વારા આયોન કેર નામની કેન્સર કેર કંપનીમાં લગભગ £750,000નું રોકાણ કરાયું હતું. આ કંપની પાછળ મોદી હતા અને શ્રીમતી માગ હવે નુકસાની માંગે છે. તેમણે મોદી પર “છેતરપિંડીયુક્ત ખોટી રજૂઆત અને કરારનો ભંગ” કરવાનો આરોપ મૂક્યો છે.
મોદીએ કોર્ટને જણાવ્યું છે કે ‘’મેં એવું કશું ખોટું કહ્યું નથી. મેં જે કહ્યું તેને તેમણે સાચું માન્યું હતું. મોદીએ તેના આરોપોનો વિરોધ કર્યો છે.
ભારતીય અને સિંગાપોરમાં રહેતા શ્રીમતી માગ કહે છે કે મોદીએ તેમની સમક્ષ “પ્રતિનિધિત્વ” કર્યા પછી કહ્યું હતું કે ડ્યુક ઑફ યોર્ક આયન કેરના પેટ્રન છે અને તેમના સહિત ઘણા હાઇ પ્રોફાઇલ લોકો તેમાં સામેલ છે. સ્પેનના રાજા અને રાણી – ફેલિપ VI અને રાણી લેટિઝિયા – પણ પેટ્રન તરીકે સામેલ હતા એવું મોદીએ વક્તવ્યમાં જણાવ્યું હતું.’’
મોદીએ કહ્યું હતું કે “પ્રિન્સ એન્ડ્ર્યુ સાથે આયન કેર વિશે વાત કરી હતી, પણ તેમણે કોઈપણ રીતે પ્રતિબદ્ધતા દર્શાવી ન હતી. હું સ્પેનના રાજા અને રાણીનો “સંપર્ક કરવાનો ઈરાદો” ધરાવતો હતો.’’
માગે કહ્યું હતું કે ‘’લલિતે મને કહ્યું હતું કે પ્રિન્સ એન્ડ્ર્યુ તેના ખૂબ જ પ્રિય મિત્ર હતા, જેમની સાથે તે સામાન્ય રીતે વાતચીત કરતા હતા. લલિત મને વિશ્વાસ કરવા તરફ દોરી ગયો હતો અને હું ખરેખર પ્રભાવિત થઇ હતી. ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ટેનિસ ખેલાડી રોજર ફેડરર સહિતની હસ્તીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લલિતે આ વ્યક્તિઓને આયન કેરના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ તરીકે ઓળખાવ્યા હતા.”
જજ મુરે રોસેન આ અઠવાડિયે લંડનમાં ટ્રાયલ પર પુરાવાઓની સુનાવણી કરી રહ્યા છે.