ભારતનો લક્ષ્ય સેન ફક્ત 20 વર્ષની ઉંમરે વર્લ્ડ બેટમિન્ટનના તખતે જાયન્ટ કિલર તરીકે ઉભરી રહ્યો છે. રવિવારે (20 માર્ચ) પુરી થયેલી ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં તેણે વર્લ્ડ નંબર વન અને ઓલિમ્પિક ચેમ્પિયન ડેનિશ પ્લેયર વિક્ટર એક્સલસેન સામે સારી ટક્કર લીધા પછી 10-21, 15-21થી તેનો પરાજય થયો હતો. 21 વર્ષ પછી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં પુરૂષોની સિંગલ્સના ભારતીય વિજેતા બનવાનો રેકોર્ડ તે સ્હેજમાં ચૂકી ગયો હતો. આમ છતાં, ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમનારો લક્ષ્ય માત્ર પાંચમો ભારતીય અને ચોથો ભારતીય પુરૂષોનો સિંગલ્સ પ્લેયર બની ગયો હતો. તે રનર્સ અપ રહ્યો હતો.
અતિ પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં લક્ષ્ય સેન તેના હરીફ સામે ૫૩ મિનિટ ઝઝુમ્યો હતો. અનુભવી એક્સલસને મેજર ટુર્નામેન્ટની ફાઈનલમાં પોતાની પકડ જાળવી રાખી હતી અને બંને ગેમ્સમાં શરૂઆતથી જ પ્રભુત્વ જાળવી વિજયધ્વજ લહેરાવ્યો હતો. જો કે, આ અગાઉ રમાયેલી જર્મન ઓપનની સેમિ ફાઈનલમાં લક્ષ્ય સેને એક્સલસનને હરાવીને ખળભળાટ મચાવ્યો હતો. પણ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તે ફરી એવી સફળતા દોહરાવી શક્યો નહોતો.
ભારતના પુલેલા ગોપીચંદે છેલ્લે 2001માં ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટનનું મેન્સ સિંગલ્સનું ટાઈટલ હાંસલ કર્યું હતુ. જે અગાઉ આ સિદ્ધિ ૧૯૮૦માં ભારતના લેજન્ડરી ખેલાડી પ્રકાશ પદુકોણેએ હાંસલ કરી હતી. તે પહેલા, ૧૯૮૪માં ભારતના પ્રકાશ નાથ, ૨૦૮૧માં પ્રકાશ પદુકોણે અને ૨૦૧૫માં સાયના નેહવાલ રનર્સ અપ રહેલા ભારતીય ખેલાડીઓ હતા.
આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં ભારતના રાઈઝિંગ સ્ટાર લક્ષ્યે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં મેજર અપસેટની હારમાળા સર્જી હતી. તેણે પ્રિ-ક્વાર્ટરમાં વર્લ્ડ નંબર થ્રી ડેનમાર્કના એન્ડેર્સ એન્ટોન્સેનને સીધી ગેમ્સમાં ૨૧-૧૬, ૨૧-૧૮થી હરાવ્યો હતો. એ પછી સેમિ ફાઈનલમાં તેણે ડિફેન્ડિંગ ચેમ્પિયન અને છઠ્ઠા ક્રમાંકિત મલેશિયાના લી ઝી જીયાને ૨૧-૧૩, ૧૨-૨૧, ૨૧-૧૯થી હરાવીને નવો ઈતિહાસ આલેખ્યો હતો.