કન્ઝર્વેટિવ સંસદસભ્ય શૈલેષ વારાના પિતા લખમણ અર્જન વારાનું મંગળવારે તા. 10 જાન્યુઆરીના રોજ 98 વર્ષની વયે લંડનમાં નિધન થયું હતું. તેમનો જન્મ 7 સપ્ટેમ્બર, 1924ના રોજ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં રાણાવાવ ગામે થયો હતો. અંતિમ સંસ્કારની વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.

લખમણ અર્જન વારા અને તેમનો પરિવાર ઇસ્ટ આફ્રિકાના યુગાન્ડા ગયો હતો જ્યાં 1960માં શૈલેષનો જન્મ થયો હતો. તેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર યુકેમાં રહેવા આવ્યો હતો.

શોકગ્રસ્ત પરિવારે સ્વ. શ્રી અરજણ વારાના મૃત્યુની પુષ્ટિ કરતી એક નોંધમાં જણાવાયું હતું કે “અરજણભાઇનું પરિવારના સદસ્યોની ઉપસ્થિતીમાં પોતાના ઘરમાં શાંતિપૂર્ણ રીતે નિધન થયું છે. એક દિવ્ય આત્મા જેમણે પોતાના સુંદર સ્મિત, હૂંફ, ઉદારતા અને નમ્રતાથી ઘણા લોકોના જીવનને સ્પર્શ કર્યો હતો.’’

પરિવારે દુઃખની ઘડીમાં તેમની ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરી હતી અને કોઇને ઘરની મુલાકાત ન લેવા અને શોક વ્યક્ત કરવા માંગતા લોકોને કૃપા કરીને પ્રાર્થના સભા અથવા અંતિમ સંસ્કાર વિધિમાં હાજરી આપવવા વિનંતી કરી છે.

શૈલેષ વારા નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના પાંચ વખતના સંસદસભ્ય છે અને જુલાઇ અને સપ્ટેમ્બર 2022 વચ્ચે નોર્ધર્ન આયર્લૅન્ડના સેક્રેટરી ઑફ સ્ટેટ સહિતના વિવિધ સરકારી હોદ્દા પર સેવા આપી છે.

LEAVE A REPLY