પાંચ વર્ષ પહેલાં બોગસ પોર્ટુગીઝ પાસપોર્ટ પર ગેરકાયદેસર રીતે યુકે આવેલા અને કપડાની ફેક્ટરીના માલિક તરીકે કામ કરતા લખુ ઓડેદરા ઉર્ફે લખુ પટેલને બુધવારે લેસ્ટર ક્રાઉન કોર્ટે બે વર્ષ અને ત્રણ મહિના માટે જેલમાં મોકલ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તેને ભારત મોકલવામાં આવશે.
કોર્ટ સુનાવણીમાં જણાવાયું હતું કે યુકે આવવા માટે બનાવટી દસ્તાવેજો મેળવનાર લખુ ઓડેદરાએ 2012 સુધી યુકેમાં અભ્યાસ કર્યો હતો. તેના સ્ટુડન્ટ વિઝા સમાપ્ત થતા તેને ભારત પરત ફરવું પડ્યું હતું. પરંતુ વતનમાં કામ શોધવામાં નિષ્ફળ ગયેલા ઓડેદરાએ લખુ પટેલના બોગસ નામથી બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ અને ઓળખ કાર્ડ મેળવ્યું હતું અને ઓગસ્ટ 2016માં તે પાછો ઇંગ્લેન્ડ આવ્યો હતો. લેસ્ટરમાં સ્થાયી થયા બાદ તેણે ભારતીય કપડાં ઉત્પાદક માટે કામ શરૂ કર્યું હતું. તેની પત્નીને ભારતથી લાવવા માટે તેના નકલી નામનો ઉપયોગ કરીને વધુ દસ્તાવેજો મેળવ્યા હતા અને જાન્યુઆરી 2019થી તેમને બે બાળકો છે.
પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં ઇમિગ્રેશન સર્વિસે સેન્ડલ એવન્યુ, બેલગ્રેવ, લેસ્ટરમાં તેના ઘરે દરોડા પાડતા બનાવટી દસ્તાવેજો મળી આવ્યા હતા. ઓડેદરાએ તેની પત્નીને ગેરકાયદેસર રીતે યુકે લાવવા બદલ ચાર છેતરપિંડીના ગુના અને એક ઇમિગ્રેશનનો ગુનો કબૂલ કર્યો હતો. જજે તેને જેલમાં ધકેલી દીધો ત્યારે તે રડી પડ્યો હતો.
જજ માર્ક વોટસનને ઓડેદરાના બેરિસ્ટર ઈશાન દવેએ કહ્યું હતું કે ‘’ઓડેદરાએ હંમેશા સખત મહેનત કરી ટેક્સ ચૂકવ્યો હતો અને અપરાધ કરવા અથવા રાજ્ય પર બોજ બનવા માટે નહીં પણ પોતાના અને તેની પત્ની માટે સારું જીવન મેળવવા આ ગુના કર્યા હતા.