અગ્રણી બ્રીટીશ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પૉલના ધર્મપત્ની, લેડી અરૂણા પૉલનું તા. 3 મે 2022ને મંગળવારે રાત્રે લંડનમાં તેમના ઘરે 86 વર્ષની વયે શાંતિપૂર્ણ અવસાન થયું હતું. તેઓ જીવનને આનંદથી વ્યતિત કરતા હતા અને હંમેશા તેમની આસપાસના લોકોને ઉત્થાન આપવાનો પ્રયાસ કરતા હતા.
તેમના મૃત્યુના સમાચારને સમર્થન આપતા પરિવારના એક નજીકના સભ્યએ કહ્યું હતું કે ‘’લેડી પૉલ તેમના પતિ અને બે પુત્રો આકાશ અને અંબર અને પુત્રી અંજલી સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. સ્વરાજ અને અરૂણા પૉલના લગ્ન આજથી 65 વર્ષ પહેલા થયા હતા. તેઓ લંડનના ડાયસ્પોરામાં સૌના પરિચિત હતા. તેમણે ડિસેમ્બર 2016 માં તેમની ડાયમંડ વેડીંગ એનિવર્સરીની ઉજવણી કરી હતી. મહારાણી એલિઝાબેથ બીજાએ દંપતીના લગ્નના માઇલસ્ટોનને ચિહ્નિત કરવા માટે તેમની શુભેચ્છાઓ મોકલી હતી.
લેડી અરૂણા પૉલનો જન્મ 1936માં ભારતના કલકત્તામાં થયો હતો અને તેમણે લોરેટો હાઉસ કોન્વેન્ટમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ત્યાંથી ટીચર્સ ટ્રેઇનીંગમાં તેમણે બેચલર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી હતી અને તે જ સંસ્થામાં ભણાવવા ગયા હતા.
લોર્ડ સ્વરાજ પૉલ સાથે 1956માં લગ્ન કર્યા બાદ તેમણે જોડિયા પુત્રો અંબર અને આકાશને 1957માં, પુત્ર અંગદને 1970માં તથા પુત્રીઓ અંજલીને 1959માં અને અંબિકાને 1963માં જન્મ આપ્યો હતો. તેઓ પુત્રી અંબિકાની તબીબી સારવાર માટે તેમના પતિ લોર્ડ સ્વરાજ પૉલ સાથે લંડન આવ્યા હતા પરંતુ 1968માં લ્યુકેમિયાથી અંબિકાનું અવસાન થયું હતું. દિકરીના મૃત્યુ પછી, તેઓ લંડનમાં સ્થાયી થયા હતા.
અરૂણા પૉલ લંડનના સામાજિક વર્તુળોમાં એક સ્પષ્ટ અને આકર્ષક વ્યક્તિત્વ તરીકે લોકપ્રિય થયા હતા અને તેઓ સ્વર્ગસ્થ ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના મિત્ર હતા.
અંબિકા પૉલ ફાઉન્ડેશન દ્વારા, લોર્ડ અને લેડી પૉલ જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને સખાવતી સંસ્થાઓને મદદ કરે છે. કલકત્તામાં, તેમણે 100 બાળકો માટે એક હોસ્ટેલ અને 1500 બાળકો માટે એક શાળા બનાવી છે. જે બંને સંસ્થાઓનું નામ અંબિકાના નામ પર રાખવામાં આવ્યું છે. યુકેમાં ફાઉન્ડેશન સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ માટે સખાવત કરે છે જેમાં સૌથી મોટી સખાવત અંબિકા પૉલ ચિલ્ડ્રન્સ ઝૂ માટે લંડન ઝૂને કરી છે.
લેડી પોલ ભારતીય વિદ્યા ભવન યુકેના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપતા હતા. તેઓ વિમેન્સ ઈન્ડિયા એસોસિએશન (યુકે) અને મેકમિલન કેન્સર રિલીફના પેટ્રન પણ હતા.
તેમને ફૂલોની ગોઠવણી અને ફૂડ પ્રેઝન્ટેશનનો શોખ હતો. તેઓ નિસર્ગોપચાર, યોગ, ધ્યાન અને હર્બલ ઉપચારમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા. તેમને સૌથી મોટો આનંદ તેમના ચાર પૌત્રો અને ચાર પૌત્રીઓ સાથે સમય પસાર કરવાથી મળતો હતો.
91 વર્ષીય લોર્ડ પૉલ યુ.કે. સ્થિત કપારો ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક છે. તેમનો બિઝનેસ યુએસ, ભારત, કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં વ્યાપેલો છે.
તેમના એક પુત્ર અને કપારો પીએલસીના સીઈઓ અંગદ પૌલ ગત તા. 8 નવેમ્બર 2015ના રોજ તેમના મેરીલબોન સ્થિત પેન્ટહાઉસ ફ્લેટમાંથી નીચે પડી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા.