Bollywood sign

બોલીવૂડમાં અત્યારે બની રહેલી કેટલીક ફિલ્મોમાં નવા ગીતોની અછત ઊભી થઇ હોવાનું જણાય છે. આ અછતને પૂર્ણ કરવા માટે જુની ફિલ્મોના લોકપ્રિય ગીતોનો સહારો લેવામાં આવી રહ્યો છે. શાહરુખ ખાનની ‘જવાન’માં દેવઆનંદની ‘બીસ સાલ બાદ’ ફિલ્મનાં ગીત ‘બેકરાર કરકે હમેં’ના ઉપયોગ પછી હવે રાજ કપૂરની ‘શ્રી420’નાં ગીત ‘રમૈયા વસ્તા વૈયા’નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

બોલીવૂડનાં જૂનાં ગીતોની રીમિક્સ કરવાના નામે આ રીતે બેફામ ઉપયોગની દર્શકો આકરી ટીકા કરી રહ્યા છે. બોલીવૂડના ફિલ્મ સર્જકો તથા સંગીતકારોએ સર્જનાત્મકતાના નામે કંઇ કર્યું નહીં હોવાથી અને હવે નવા કર્ણપ્રિય ગીતો બનતાં નથી એટલે આ રીતે જૂનાં ગીતોનો સહારો લેવો પડે છે તેવી ટીકા થઈ હતી. અગાઉ કરણ જોહરે બનાવેલી રણવીર અને આલિયાની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ સાધનાની ‘મેરા સાયા’ ફિલ્મનાં ગીત ઝૂમખા ગિરા …રે ની ઉઠાંતરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જોકે, કરણ જોહર આ ઉઠાંતરીનો એમ કહીને બચાવ કરી રહ્યો છે કે સાધના તેના પિતા યશ જોહરને ધર્મના ભાઈ માનતી હતી અને તેથી તેની ફોઈ પર ફિલ્માવાયેલું ગીત પોતે ઉપયોગ કરે તેમાં કાંઈ ખોટું નથી.

આલિયા ભટ્ટ અને રણવીર સિંહ પર ફિલ્માવાયેલું ‘વ્હોટ ઝુમખા’ ગીતની ટયૂન, શબ્દો બધું જ સાધનાના ગીતની ઉઠાંતરી છે. કેટલાક ચાહકોનું માનવું છે કે કરણે સાધનાના ‘ઝુમખા ગિરા રે’ તથા થોડા સમય પહેલાં રજૂ થયેલી રણબીર અને શ્રદ્ધાની ફિલ્મ ‘તુ જુઠ્ઠી મૈ મક્કાર’ના ગીત શો મી યોર ઠુમકા બંનેને મિક્સ કરી રિપેકેજિંગ કરી ફિલ્મ દર્શકોને ઉલ્લુ બનાવવાની હરકત કરી છે. તેણે આ ગીતને સોશિયલ મીડિયા પર પોતે જાણે બહુ મહાન સર્જન કર્યું હોય તે રીતે પ્રેઝન્ટ કર્યું છે. બોલીવૂડમાં જૂનાં ગીતોને આ રીતે રિક્રિએટ કરવાના નામે થતી છેડછાડ સામે અગાઉ અનુરાધા પૌડવાલ સહિતના ગાયકોએ નારાજગી વ્યક્ત કરી છે.

કરણની આ આખી ફિલ્મમાં એકાદ સેકન્ડનું પણ કશું ઓરિજિનલ છે કે કેમ તેવો સવાલ ચાહકો કરી રહ્યા છે. કારણ કે મૂળ તામિલ ફિલ્મની રીમેકમાં કરણ તેની પોતાની તથા બીજી કેટલીક જૂની હિન્દી ફિલ્મોના દૃશ્યો અને પિક્ચરાઈઝેશનની સંપૂર્ણ નકલ જ કરી છે.

LEAVE A REPLY