લેસ્ટરમાં લેબર પાર્ટીની દાદાગીરી, હિન્દુ કાઉન્સિલરોને ટિકીટ કાપવાના નિર્ણય અને મેયર પીટર સોલ્સબીના મન્સવીપણાના કારણે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં લેબરનો રકાસ થયો હતો. 2019માં લેબરે કાઉન્સિલની કુલ 54 બેઠકોમાંથી એક સિવાયની તમામ બેઠકો જીતી હતી. પરંતુ તાજેતરમાં થયેલી ચૂંટણીઓમાં લેબર 22 બેઠકો ગુમાવીને માંડ 37 બેઠકો જ જીતી શક્યું હતું. જ્યારે ટોરીએ 17 બેઠકો જીતી હતી. સર પીટર સૌલસ્બી શહેરના મેયર તરીકે બીજી વખત ચૂંટાયા છે. લેસ્ટરશાયરમાં અન્યત્ર, ટોરીઝે હાર્બરો અને ચાર્નવુડ બરો કાઉન્સિલ, નોર્થ વેસ્ટ લેસ્ટરશાયર અને મેલ્ટન બરો કાઉન્સિલ ગુમાવી છે. જ્યારે લિબરલ ડેમોક્રેટ્સે હિંકલી અને બોસવર્થને પકડી રાખી હતી.
લેસ્ટરના ચૂંટાયેલા મેયર સર પીટર સોલ્સ્બીએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન ધર્મને કેટલીક હદે “શસ્ત્ર” બનાવવામાં આવ્યો હતો અને તેનાથી તેઓ “ખૂબ જ પરેશાન” થયા હતા.
કાઉન્સિલરોના સસ્પેન્શન અને પક્ષપલટા બાદ લેબરે 31 બેઠકોના ઘટાડા સાથે બહુમતી મેળવી સત્તા સંભાળી છે. લેસ્ટરમાં કન્ઝર્વેટિવ્સ 17 બેઠકો સાથે મુખ્ય વિપક્ષ બન્યો છે. તો ગ્રીન અને લિબરલ ડેમોક્રેટ્સે 3 બેઠકો જીતી હતી.
કન્ઝર્વેટિવ પક્ષના નોર્થ એવિંગ્ટનમાંથી દિલીપ જોશી, સંજય મોઢવાડિયા અને દીપક બજાજ ફરીથી જીત્યા હતા. એબી વોર્ડમાંથી નાગાર્જુન અગાથ, આયલસ્ટોનમાંથી હેમંત રાય ભાટિયા, બેલગ્રેવમાંથી શિતલ અડતિયા, યોગેશ ચૌહાણ અને જયંતીલાલ ગોપાલ જીત્યા હતા. તો રૂશી મીડ વોર્ડમાંથી વોર્ડમાંથી કોન્ઝર્વેટીવના ભૂપેન દવે, ગીતા કારાવાદરા અને દેવીસિંહ પટેલ જીત્યા હતા.
તો બ્રાઉનસ્ટોન પાર્કના કુલવિંદર સિંઘ જોહલ (લેબર), કાસલ વોર્ડમાંથી લિઝ સાહુ, (ગ્રીન) હમ્બરસ્ટોન અને હેમિલ્ટન વોર્ડમાંથી મનજીત કૌર સૈની (લેબર) ચૂંટાયા હતા. સ્ટોનીગેટ વોર્ડમાંથી મંજુલા સૂદ (લેબર) અને ભારતીય મૂળના યાસ્મીન અહેમદ સુરતી (લેબર) તથા ટ્રૂન વોર્ડમાંથી મોહિન્દર સિંહ સંઘા (લેબર) જીત્યા હતા.
અન્ય જાણીતા ઉમેદવારો કિરીટ મિસ્ત્રી, નીતા સોલંકી, હર્ષ ઠાકર, મહેન્દ્ર વાળંદ, અપક્ષ ઉભા રહેલા પૂર્વ કાઉન્સિલર રીટા પટેલ જીતી શક્યા ન હતા.