લેબર ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડિયાએ શનિવારે તા. 18ના રોજ ભારતીય ડાયસ્પોરાના વધુ પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા અને વધુ લોકો ચૂંટણીઓમાં જીતીને સત્તામાં ભાગીદારી કરે તે માટે નવો ‘મહાત્મા ગાંધી ફ્યુચર લીડર્સ પ્રોગ્રામ’ શરૂ કર્યો છે.
આ નવા કાર્યક્રમમાં કોમ્યુનિટી એંગેજમેન્ટ, સંદેશાવ્યવહાર, સોશ્યલ મીડિયા, ઝુંબેશ અને નેતૃત્વ જેવા મોડ્યુલોને આવરી લેવાશે. જેનો હેતુ ભારતીય ડાયસ્પોરાના લેબર સભ્યોને ચૂંટાયેલા પદ માટે આગળ ધપાવવા અને તમામ સ્તરે પક્ષનું પ્રતિનિધિત્વ કરવા પ્રોત્સાહન આપવાનો છે.
પક્ષના નાયબ નેતા અને લેબર સાંસદ એન્જેલા રેનરે જણાવ્યું હતું કે “આપણા સમગ્ર સમાજમાં, સત્તાની સ્થિતિઓ આપણા દેશ અને આપણા સમુદાયોની વિવિધતાને પ્રતિબિંબિત કરતી નથી. મને ખરેખર આનંદ થાય છે કે ભારતીય મૂળના વધુ લોકોને રાજકારણમાં સામેલ કરવા અને ચૂંટણીઓમાં જીતવા માટે પ્રોત્સાહિત કરવા લેબર ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા એક નેતૃત્વ કાર્યક્રમ શરૂ કરી રહ્યું છે. અમે અમારી પાર્ટીમાં તમામ પ્રતિભા અને સંભવિતતાઓનો ઉપયોગ કરીએ છીએ અને એવા લોકોનું સમર્થન કરું છું કે જેમણે અગાઉ રાજકારણમાં સામેલ થવાનું વિચાર્યું નથી.”
લંડનના ડેપ્યુટી મેયર અને સંસ્થાના કો-ચેર રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘’ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે અમારા સમુદાયો અમારી સાથે જોડાતા અને અમારા નવા ફ્યુચર લીડર્સ પ્રોગ્રામ વિશે વધુ જણાવતા મને ખૂબ આનંદ થાય છે. લેબર પાર્ટીને ચૂંટણીમાં ઉભા રાખવા માટે વધુ વૈવિધ્યસભર ઉમેદવારોની જરૂર છે અને ઓક્ટોબરથી શરૂ થતો આ કાર્યક્રમ ભારતીય લેબર સભ્યોને તે પગલું ભરવા માટે ખરેખર ઉપયોગી કુશળતા અને માહિતી પ્રદાન કરશે.”
સંસ્થાના કો-ચેર અને પાર્લામેન્ટરી લીડ લેબર સાંસદ ડેરેન જોન્સે ઉમેર્યું હતું કે “ભારતના લેબર ફ્રેન્ડ્સના સંસદસભ્ય તરીકે, હું સંસદમાં અને યુકેમાં સરકારના તમામ સ્તરે વધુ ભારતીય મૂળનું પ્રતિનિધિત્વ જોવાનું પસંદ કરું છું. જો તમે લેબર મેમ્બર હો અને નેતૃત્વની ભૂમિકામાં પગલું ભરવા માટે ટેકો માંગતા હો તો આ પ્રોગ્રામ તમારા માટે છે.”
જેરેમી કોર્બીનના નેતૃત્વ હેઠળની લેબર પાર્ટીથી નારાજ થયેલા ભારતીય ડાયસ્પોરા સુધી પહોંચવાના પ્રયત્નોને પગલે લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે યુકેમાં આ યોજના શરૂ કરી છે.