લેબર પક્ષના નેતા સર કેર સ્ટાર્મરે લેબર પાર્ટીની કોન્ફરન્સમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘’માત્ર લેબર પાર્ટી જ દેશની હાલની આર્થિક ઉથલપાથલનો અંત લાવી શકે છે. દેશની અર્થવ્યવસ્થાને “ક્રેશ” કરવા માટે જનતાએ ટોરીઝને ક્યારેય માફ કરવી જોઈએ નહીં. આ અશાંતિનો અંત લાવવાનો અને “ઉચિત, હરિયાળો, વધુ ગતિશીલ” સમાજ બનાવવાનો એકમાત્ર રસ્તો લેબર સરકાર પાસે છે. લેબર આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ્સને હરાવી દેશે, કારણ કે લેબર પક્ષની બાજુમાં નિષ્પક્ષતા અને આર્થિક કારણ છે.’’
એક કલાક લાંબા ભાષણમાં તેમણે કહ્યું હતું કે “આ એક લેબર મોમેન્ટ છે, જેમ કે પાર્ટીએ 1945, 1964 અને 1997માં ચૂંટણીમાં જીત મેળવી હતી. દેશ આ રીતે આગળ વધી શકે નહીં. સરકારે બ્રિટિશ અર્થતંત્ર પરનું નિયંત્રણ ગુમાવ્યું છે. તેમણે પાઉન્ડને ક્રેશ કર્યો છે. ઉચ્ચ વ્યાજના દરો, વધુ ફુગાવો, વધુ ઉધારી. અને શા માટે? તમારા માટે નહીં, કામ કરતા લોકો માટે નહીં, આપણા સમાજના સૌથી ધનિક 1% લોકો માટે ટેક્સમાં કાપ કરાયો છે. તેમને ભૂલશો નહીં અને માફ કરશો નહીં.”
સર સ્ટાર્મરે દાવો કર્યો હતો કે લેબરમાં તેમના નેતૃત્વ હેઠળ પરિવર્તિત થઈ ગયું છે જે ફરી એકવાર આપણા દેશની સેવા કરવા માટે યોગ્ય છે અને હવે તે “સાઉન્ડ મની” પાર્ટી છે.
પરંતુ તેમણે પાર્ટીને ચેતવણી પણ આપી હતી કે આગામી સામાન્ય ચૂંટણી પહેલા બે વર્ષમાં તેઓએ શિસ્ત બતાવવી પડશે.
તેમની મુખ્ય જાહેરાત જાહેર માલિકીની રીન્યુએબલ એનર્જી ફર્મ બનાવવાની યોજના વિષે હતી. લેબર પક્ષ આશા રાખે છે કે તે ફર્મ વધુ નોકરીઓ ઉભી કરશે અને 2030 સુધીમાં કાર્બન-મુક્ત વીજળીના તેમના લક્ષ્યને હાંસલ કરશે.
સર કેરે જાહેરાત કરી હતી કે જો લેબર સત્તામાં આવશે તો ઘરની માલિકીનું નવું 70% લક્ષ્ય બનાવશે, પોઈન્ટ-આધારિત સિસ્ટમનો ઉપયોગ કરીને ઈમિગ્રેશનને નિયંત્રિત કરવાની યોજના લાવશે અને નવી મોર્ગેજ ગેરંટી સ્કીમ સાથે ફર્સ્ટ ટાઇમ બાયરને પ્રોપર્ટી લેડર પર લાવવા મદદ કરવા માટેની દરખાસ્તો લાવશે.
તેમણે કહ્યું હતું કે મારી સરકારના પ્રથમ કાર્યકાળ પછી જીવન સંકટના ખર્ચની મુશ્કેલી પરાજિત થઈ જશે, અર્થવ્યવસ્થા ફરીથી સ્થિર થશે અને NHSની તકલીફો દૂર થશે.
તેમણે વચન આપ્યું હતું કે લેબર બ્રેક્ઝિટનું કામ કરશે.
તેમણે સ્કોટિશ નેશનલ પાર્ટી પર પણ નિશાન સાધી કહ્યું હતું કે “અમે તેમની સાથે કામ કરી શકતા નથી. અમે તેમની સાથે કામ કરીશું નહીં. કોઈ પણ સંજોગોમાં કોઈ ડીલ કરશું નહિ.” તેમણે ભાષણમાં લિબરલ ડેમોક્રેટ્સનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.