લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટાર્મરે મંગળવાર 11 ઓક્ટોબરે હિંદુ ધર્મના પવિત્ર કારતક મહિનાની શરૂઆત નિમિત્તે હર્ટફોર્ડશાયરમાં ભક્તિવેદાંત મનોરની મુલાકાત લીધી હતી. (Picture: Bhaktivedanta Manor)

લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટાર્મરે મંગળવાર 11 ઓક્ટોબરે હિંદુ ધર્મના પવિત્ર કારતક મહિનાની શરૂઆત નિમિત્તે હર્ટફોર્ડશાયરમાં ભક્તિવેદાંત મનોરની મુલાકાત લીધી હતી. મહેમાનોનું સ્વાગત કરવા માટેની પરંપરા મુજબ લેબર પાર્ટીના નેતાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને હાર પહેરાવવામાં આવ્યો હતો. તેમણે મંદિરના વડા પૂજ્ય વિશાખા દાસી સાથે મુલાકાત કરી હતી.

સર કીરે યુકેમાં એક અગ્રણી હિંદુ મંદિરના પ્રથમ મહિલા વડા બનવા બદલ પૂજ્ય વિશાખા દાસીને અભિનંદન આપ્યા હતા અને કોરોના મહામારી દરમિયાન મંદિરને ખુલ્લું રાખવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ પછી સર કીરને મંદિરની ભવ્યતા બતાવવામાં આવી હતી. અહીં તેમને સમૃદ્ધ ઇતિહાસ વિશે જાણવાની તક મળી હતી. તેમને ખાસ કરીને આધ્યાત્મિક ફિલસૂફી પ્રત્યેના ઉત્સાહ અને પ્રેમને કારણે બીટલ્સના જ્યોર્જ હેરિસને કેવી રીતે પચાસ વર્ષ પહેલા આઇકોનિક મોક-ટ્યુડર બિલ્ડિંગ અને આશરે 78 એકર જમીન દાનમાં આપી તેની વિગતો જાણી હતી.

ભક્તિવેદાંત મનોર મંદિરના વડા પૂજ્ય વિશાખા દાસીએ જણાવ્યું હતું કે “ભક્તિવેદાંત મનોરમાં સર કીર સ્ટાર્મરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં અને અમારા અસાધારણ વારસા અને ભવિષ્ય માટેની યોજનાઓની સમજ આપવા બદલ અમને આનંદ થયો હતો. આગામી વર્ષે અમે અમારી 50મી વર્ષગાંઠની ઉજવણી કરીશું અને અમે આ અદભૂત માઇલસ્ટોનને યાદ કરવા માટે દરેકને અમારી સાથે જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ.”

ભક્તિવેદાંત મનોર મંદિર 10,000ની મંડળી સાથે યુકેમાં સૌથી લોકપ્રિય પૂજાસ્થાનો પૈકીનું એક છે અને દર વર્ષે 250,000 થી વધુ મુલાકાતીઓને આવકારે છે. આ મંદિર ભારતની બહાર સૌથી મોટા વાર્ષિક જન્માષ્ટમી તહેવારનું પણ આયોજન કરે છે, જે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરે છે.

ગયા અઠવાડિયે લંડનમાં યુરોપના સૌથી મોટા નવરાત્રિ ઉત્સવોની મુલાકાત પછી સ્ટારમરની આ મંદિરની મુલાકાત લીધી હતી. નવરાત્રિ ઉત્સવોની મુલાકાત દરમિયાન તેમણે તેમણે હિંદુફોબિયા સામે લડવાનું વચન આપ્યું હતું.

ઓગસ્ટમાં યુએઇ ખાતેની ભારત-પાકિસ્તાનની મેચને પગલે તાજેતરના રમખાણોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે “હિંદુફોબિયાનું આપણા સમાજમાં કોઈ સ્થાન નથી અને આપણે બધાએ સાથે મળીને તેની સામે લડવું જોઈએ.”
તેમણે જણાવ્યું હતું કે “તાજેતરના સપ્તાહોમાં અમે લેસ્ટર અને બર્મિંગહામની શેરીઓમાં જે વિભાજન જોયું છે, તેનાથી હું દુઃખી છું. સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને કટ્ટરવાદીઓએ હિંસા અને નફરત ફેલાવી હતી. આપણે બધાએ સાથે મળીને નફરત ફેલાવવાના તમામ પ્રયાસો સામે મક્કમ રહેવું જોઈએ.”

LEAVE A REPLY