વડા પ્રધાન લિઝ ટ્રસે 24 કલાકના અસાધારણ ડ્રામા પછી શુક્રવાર તા. 14ના રોજ તેના ફ્લેગશિપ ટેક્સ કટ પર વધુ એક અપમાનજનક યુ-ટર્ન અમલમાં મૂકી મીની-બજેટ બાદ શરૂ થયેલી આર્થિક ગરબડને રોકવાના પ્રયાસમાં પોતાના નજીકના મિત્ર અને ચાન્સેલર ક્વાસી ક્વાર્ટેંગને કેબિનેટમાંથી બરતરફ કર્યા હતા. તેમણે ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન અને પક્ષના નેતૃત્વના દાવેદાર જેરેમી હન્ટની નવા ચાન્સેલર તરીકે નિમણૂક કરી હતી.
ક્વાર્ટેગની હકાલપટ્ટી બાદ બપોરે અઢી વાગ્યે લિઝ ટ્રસે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આઠ મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે માત્ર ચાર પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને જે કશું થઇ રહ્યું છે તેના માટે કોઈ માફી માંગી ન હતી. મતદાનમાં લેબરને ટોરીઝ કરતા 20થી વધુ પોઈન્ટ મળે છે જે ચૂંટણીમાં જંગી જીત માટે પૂરતા છે. શ્રીમતી ટ્રસનું અંગત રેટિંગ હવે અન્ય કોઈપણ આધુનિક વડા પ્રધાન કરતાં વધુ ખરાબ છે.
મેક-ઓર-બ્રેક પ્રેસ કોન્ફરન્સમાં તેણીએ કહ્યું હતું કે તેણીએ ‘આર્થિક સુરક્ષા’ અને ‘રાષ્ટ્રીય હિતમાં’ ‘મુશ્કેલ’ નિર્ણય લીધો હતો, પરંતુ દલીલ કરી હતી કે કર ઘટાડવાનું તેણીનું ‘મિશન’ બાકી છે. અમે આ તોફાનમાંથી પસાર થઈશું. મિશન એ જ રહે છે.. પરંતુ આખરે અમારે ખાતરી કરવી પડશે કે આપણી પાસે આર્થિક સ્થિરતા છે.’
શ્રીમતી ટ્રસે પત્રકારોને કહ્યું: ‘જ્યારે મેં પાર્ટીના નેતા બનવા માટે પ્રચાર કર્યો ત્યારે મેં જે નક્કી કર્યું હતું તે પહોંચાડવા માટે હું કટિબદ્ધ છું. ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતું અર્થતંત્ર હોવું જરૂરી છે. પરંતુ આપણે એક દેશ તરીકે ખૂબ જ મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેને ઓળખવી પડશે. રાષ્ટ્રીય હિતમાં, મેં આજે જે નિર્ણયો લીધા છે તે આર્થિક સ્થિરતાને પુનઃસ્થાપિત કરવા માટે લીધા હતા. સૌપ્રથમ તો આ શિયાળામાં અને આગામી શિયાળા દરમિયાન લોકોને તેમના એનર્જી બિલ સાથે મદદ કરી શકીએ. ખાતરી કરો કે આપણો દેશ ટકાઉ આર્થિક વિકાસ માટે લાંબા ગાળાના માર્ગ પર છે.’
શ્રીમતી ટ્રસે ટોરીઝની પ્રતિષ્ઠાને ‘ધૂળધાણી’ કરવા બદલ માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. એક ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાને મેઈલઓનલાઈનને કહ્યું હતું કે PMએ પરિસ્થિતિ વધુ ખરાબ કરી છે. તેણી હવે એવી નીતિઓ પર દેશ ચલાવવા જઈ રહી છે જેને તેણે નેતૃત્વની હરીફાઈમાં સંપૂર્ણપણે કચડી નાંખી હતી… તે ક્વાસી સાથે કેમ જોડાતી નથી?’
વિદ્રોહી કન્ઝર્વેટિવ સાંસદો ઋષિ સુનક અને પેની મોર્ડાઉન્ટને શ્રીમતી ટ્રસ પાસેથી પદ સંભાળવા માટે ‘ડ્રીમ ટિકિટ’ તરીકે ગણાવી રહ્યા છે. અન્ય લોકો બોરિસ જોન્સનનું પુનરાગમન જોવા માંગે છે.
જુલાઈમાં બોરિસ જૉન્સને રાજીનામું આપ્યા પછી હન્ટ પોતે ટોચના પદની રેસમાં હતા, પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટીના પૂરતા સભ્યો ન મળતાં તેમણે પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને ટેકો આપ્યો હતો. ટ્રસ તેમની નિમણૂક કરી ટોરીઝમાં વિસ્તરતું વિભાજન બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું મનાય છે. સુનકના ઘણા વફાદારોએ ટ્રસની નીતિઓ સામે ખુલ્લેઆમ બળવો કર્યો હતો. ક્વાર્ટેંગને પાઠવેલો પત્ર ટ્વિટર પર જાહેર કરતા ટ્રસે કહ્યું કે ‘’તેમને ગુમાવવા બદલ દુઃખ છે અને તે સૂચવે છે કે તે હજી પણ વિવાદાસ્પદ મીની-બજેટમાં નિર્ધારિત વ્યાપક આર્થિક દ્રષ્ટિકોણમાં વિશ્વાસ રાખે છે. આપણા દેશ માટે આપણે સમાન દ્રષ્ટિકોણ અને વિકાસ માટે સમાન મક્કમ પ્રતીતિ શેર કરીએ છીએ. ગંભીર વૈશ્વિક સમસ્યાઓના સમયે તમે અસાધારણ પડકારજનક સમયમાં ચાન્સેલર રહ્યા છો.”
ક્વાર્ટેંગે માત્ર 38 દિવસ માટે ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તેમને “ખસી જવા”નું કહેવાયા બાદ તેમણે તરત જ ટ્વિટર પર જણાવ્યું હતું. રાજીનામાના પત્રામાં તેમણે જણાવ્યું હતું કે “યથાસ્થિતિનું પાલન કરવું એ કોઈ વિકલ્પ નથી. ઘણા લાંબા સમયથી આ દેશ નીચા વિકાસ દર અને ઊંચા કરવેરાથી ઘેરાયેલો છે. જો દેશને સફળ થવું હશે તો બદલાવું આવશ્યક છે. હું તમને અને મારા અનુગામીને બેકબેન્ચમાંથી સમર્થન આપવા માટે આતુર છું.”
આ અગાઉ, ચાન્સેલરે વોશિંગ્ટનમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ની મીટિંગ માટેની યુએસની મુલાકાત ટૂંકી કરી હતી અને ટ્રસ સાથે મીટિંગ માટે પાછા ફર્યા હતા. તેમણે સંસદમાં રજૂ કરેલા ટેક્સ કટને કારણે પાઉન્ડ ડોલર સામે ઘટ્યો હતો અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દેશના લાંબા ગાળાના બોન્ડ ખરીદવા માટે આગળ વધી હતી. બેકઅપ માટે વિગતવાર ભંડોળ યોજના વિના અંદાજિત £45 બિલિયન મૂલ્યના ટેક્સ કાપને યુકેના અર્થતંત્ર માટે વિનાશક તરીકે જોવામાં આવ્યો હતો.
ટોરી સાંસદો દ્વારા કરાયેલો ખુલ્લો બળવો અને ઓપિનિયન પોલમાં વિપક્ષી લેબર પાર્ટીની તરફેણમાં આવેલો વિક્રમી ઉછાળો આવ્યા બાદ કેબિનેટમાં ટ્રસની સ્થિતિ વધુ અસમર્થ બની ગઈ હતી. સરકાર બીજો યુ-ટર્ન લઇ એપ્રિલ 2023માં કોર્પોરેશન ટેક્સ 19 ટકાથી વધારીને 25 ટકા કરે તેવી અપેક્ષા છે. જે સૂચનને પૂર્વ ચાન્સેલર સુનક દ્વારા રજૂ કરાયું હતું.