દિલ્હી સ્થિત ઐતિહાસિક ધરોહર કુતુબ મીનારની સાંસ્કૃતિક મંત્રાલયના સચિવે મુલાકાત લીધા પછી એવી અહેવાલ વહેતા થયા હતા કે સાંસ્કૃતિક મંત્રાલયે કુતુબ મીનારમાં ખોદકામનો આદેશ આપ્યો છે. જોકે મંત્રાલયના અધિકારીઓએ આ અહેવાલનું ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે અત્યાર સુધી આવા કોઇ આદેશ આપવામાં આવ્યા નથી. કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન જી કે રેડ્ડીએ પણ સ્પષ્ટતા કરી હતી કે આવો કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.
સાંસ્કૃતિક સચિવ ગોવિંદ મોહને શનિવારે આ ઐતિહાસિક સ્મારકની મુલાકાત લીધી હતી. આ પછી એવા અહેવાલ આવ્યા હતા કે આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ને આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનું ખોદકામ કરીને એ જાણવાનો આદેશ આપવામાં આવ્યો છે કે કુતુબ મીનારનું નિર્માણ 12 સદીમાં કુતુબુદ્દીન ઐબકે કર્યું હતું કે તેનું બાંધકામ ગુપ્તા સામ્રાજ્ય દરમિયાન થયું હતું? સચિવની મુલાકાત અંગે સ્પષ્ટતા કરતાં મંત્રાલયે જણાવ્યું હતું કે અધિકારીની આ એક સામાન્ય મુલાકાત હતી અને હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.
થોડા દિવસો પહેલા એએસઆઇના પ્રાદેશિક ડાયરેક્ટર ધરમવીર શર્માએ જણાવ્યું હતું કે કુતુબ મીનાર હકીકતમાં 5મી સદીમાં ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા બાંધવામાં આવેલો સન ટાવર છે. શનિવારે ધરમવીર શર્મા બે કલાક સુધી કુતુબ મીનાર પર રહ્યાં હતા. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને ઇતિહાસકારોની ટીમ પણ હતી. આ મુલાકાત દરમિયાન કુતુબ મીનારની જાળવણી સંબંધિત વિવિધ પાસાંની ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.
આ સંકુલમાંથી ભગવાન ગણેશની બે મૂત્તિઓને ખસેડવા માટે નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીએ એએસઆઇને લખેલા તાજેતરના પત્રને પગલે આ ટીમે કુતુબ મિનાર નજીકના કુવ્વાત-અલ-ઇસ્લામ મસ્જિદની મુલાકાત લીધી હતી. આ મસ્જિદમાં હાલમાં ભગવાન ગણેશની મૂર્તિઓ છે.