વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા પર લંડન અભ્યાસ માટે આવેલા અને વેમ્બલીના આલ્પર્ટન વિસ્તારમાં રહેતા કુશ પટેલ નામના યુવાનની લાશ ડિકંપોઝ હાલતમાં મળી આવતા યુકેમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તેના દિવ્યાંગ માતાપિતાની આર્થિક અને શારિરીક શક્તિ ન હોવાથી તેના અંતિમસંસ્કાર લંડનમાં જ કરાશે.
કુશ પટેલના પરિવારને મદદ થાય તે માટે બનાવવામાં આવેલા ફંડીંગ પેજ પર અત્યાર સુધીમાં કુલ 472,657 રૂપિય એકત્ર થઇ ચૂક્યા છે.
મૂળ અમદાવાદના વહેવાલના વતની અને નરોડામાં નિકોલ રોડ પર ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતો કુશ પટેલ ગત વર્ષે બિઝનેસ મેનેજમેન્ટનો ડીગ્રી કોર્સ કરવા સ્ટુડન્ટ વિઝા પર લંડન આવ્યો હતો. તે કામચલાઉ ઉબર ઇટ્સની ફૂડ ડીલીવરી કરી ગુજરાન ચલાવતો હતો. પરંતુ તેની કોલેજે તેનું એડમિશન રદ કરી દેતા અને તાજેતરમાં સરકારે ભણી રહેલા વિદ્યાર્થીઓ વર્ક પરમીટ ન કરાવી શકે તેવો કાયદો લાવતા કુશ અટવાઇ ગયો હતો. નબળી આર્થિક સ્થિતી, વિઝા સ્ટેટસના અભાવ, માતા પિતાની તકલીફો અને દેવાના કારણે તે ડ્રીપ્રેશનમાં આવી ગયો હતો. તેના મોતનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ તેણે અત્મહત્યા કરી હોવાનું મનાય છે. જોકે, પોલીસ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.
તે છેલ્લે 10 ઓગસ્ટથી ગાયબ થયો હતો. તેના મિત્રોએ તેની શોધખોળ કરી હતી પરંતુ ફોન સ્વીચ ઓફ જણાતા 24 કલાક પછી પોલીસને ફરિયાદ કરી હતી. કુશે છેલ્લે લંડન બ્રિજથી પોતાના મિત્રને ફોન કર્યો હોવાથી પોલીસે તેનું છેલ્લું ફોન લોકેશન ટ્રેસ કર્યું હતું અને આખરે 19 ઓગસ્ટે તેનો મૃતદેહ મળ્યો હતો. છેલ્લે તેનો મૃતદેહ થેમ્સ નદીમાંથી મળી આવ્યો હતો. તેના દેહ પરના કપડાં કુશના હતા. પરંતુ મોઢાનો ભાગ ડિકંપોઝ થઈ ગયો હોવાથી મૃતદેહની ઓળખ તેના ફીંગરપ્રિન્ટ – બાયોમેટ્રીક્સના આધારે કરાઇ હતી.
તેના અંતિમસંસ્કાર નિશુલ્ક કરી આપવાની જવાબદારી સોઉથોલના એંજલ ફ્યુનરલ ડાયરેક્ટર્સ દ્વારા લીધી હોવાનું જણાવાય છે. તેના લાચાર માબાપને મદદ મળે તે માટે તેના મિત્રો આર્થિક સહાય કરવા ગૃપ બનાવી રહ્યા છે.