હરિદ્વારમાં આયોજિત કુંભમેળામાં મહાશિવરાત્રીના દિવસે પ્રથમ શાહી સ્નાન કરવામાં આવ્યું હતું. હરિદ્વારના હર કી પૌડી ઘાટ પર આશરે 22 લાખ ભક્તોએ ડૂબકી લગાવી હતી. 12 વર્ષ પછી આયોજિત કુંભમેળાનું આ પ્રથમ શાહી સ્નાન હતું. અગાઉ 2016માં હરિદ્વારમાં અર્ધકુંભ મેળાનું આયોજન થયું હતું.
ગુરુવારે સવારથી સાંજ સુધી સંન્યાસીઓના 7 અખાડાએ હરકી પોડી ખાતે ગંગામાં સ્નાન કર્યું હતું. સૌ પ્રથમ જુના અખાડાના સંતો, ત્યાર બાદ આહ્વાન અખાડા અને તે પછી કિન્નર અખાડાએ શાહી સ્નાન કર્યું હતું. કિન્નર અખાડા પ્રથમ વખત હરિદ્વાર કુંભમાં સામેલ થયા હતા. આ પહેલા ઉત્તરાખંડ પોલીસે બેન્ડ દ્વારા નમ: શિવાયની ધૂન વગાડીને સાધુઓનાં શાહી સ્નાનનું સ્વાગત કર્યું હતું.
સમગ્ર દેશમાં ગુરુવારે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ હતી. કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી ભક્તોએ ભગવાન શિવની આસ્થામાં ડૂબકી લગાવી હતી. દેશમાં ચારે બાજુ બમ-બમ ભોલેના નાદ ગૂંજ્યાં હતા. હરિદ્વારના હર કી પૌડી ઘાટથી લઈને વારાણસીના અસ્સી ઘાટ સુધી ભગવાન શિવના ભક્તોએ પવિત્ર સ્નાનનો લાભ લીધો હતો.
કુંભમેળામાં બીજું શાહી સ્નાન સોમવતી અમાવસ્યા (12 એપ્રિલ)એ થશે. ત્રીજુ અને ચોથું શાહી સ્નાન અનુક્રમે મેસ સંક્રાતી (14 એપ્રિલ) અને ચૈત્રી પૂર્ણિમા (27 એપ્રિલ) થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વગેરેએ ટ્વીટરના માધ્યમથી મહાશિવરાત્રીના પવિત્ર અવસરની શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમ પ્રકાશે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મેળા પરિસરમાં કોઈ પણ વ્યક્તિ SOPનું ઉલ્લંઘન કરશે તો તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. શ્રદ્ધાળુઓએ મેળામાં આવતા પહેલા પોતાનો RT-PCR રિપોર્ટ ઓનલાઈન અપલોડ કરવો પડશે અને તે રિપોર્ટ 72 કલાકથી વધારે જૂનો ન હોવો જોઈએ. આ રિપોર્ટના આધારે શ્રદ્ધાળુઓને મેળા પરિસરમાં જવા ઈ-પાસ આપવામાં આવ્યા છે.