કિંગ ચાર્લ્સના પોલો-પ્લેયર મિત્ર અને પ્રોપર્ટી ડેવલપર તથા ગ્લોસ્ટરશાયરના ગ્રામ્ય વિસ્તારમાં 100 એકરનું ફાર્મ અને મોટી એસ્ટેટ ધરાવતા કુલદિપ સિંઘ ધિલ્લોન ઉર્ફે ‘સૂટી’નું ભારત પ્રવાસે હતા ત્યારે બુધવારે એક પારિવારિક લગ્નમાં 72 વર્ષની વયે અચાનક અવસાન થયું છે.
કિંગ ચાર્લ્સ તેમની કાળી ત્વચાને કારણે પ્રેમથી તેમને માટે ‘સૂટી’ના નામનો ઉપયોગ કરતા હતા જેને કારણે જાતીવાદનો વિવાદ થયો હતો. કુલદિપ સિંઘ ધિલ્લોને હાઇગ્રોવની નજીક સિરેન્સ્ટર પાર્ક પોલો ક્લબના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી અને ચાર્લ્સ અને તેમના પુત્રો સાથે તેમને મૈત્રીપૂર્ણ સંબંધો હતા અને તેઓ કિંગ ચાર્લ્સને 30 વર્ષથી ઓળખતા હતા. ધિલ્લોનને તેમનું ઉપનામ ગમ્યું હતું પણ અન્ય લોકોએ તેને “અણગમતુ” અને “અસ્વીકાર્ય” જાતિવાદી કલંક તરીકે વર્ણવ્યું હતું.
ધિલ્લોન 1970ના દાયકાથી કેમિલા સાથે મિત્રતા ધરાવતા હતા અને 2009માં તેમને સૂટી ઉપનામ અપાયું ત્યારે તેમણે શાહી પરિવારનો બચાવ કર્યો હતો.
ધિલ્લોનને કોલિન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમની ઇંગ્લિશ બોર્ન પત્ની જેકલીન અને તેમના ચાર સંતાનોએ હજુ સુધી તેમના મૃત્યુ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. તેમનો પ્રોફેશનલ પોલો પ્લેયર અને બિઝનેસમેન પુત્ર સતનામ પણ ડ્યુક વિલિયમ અને ડ્યુક હેરીની નજીક છે. ધિલ્લોન સ્કૂલ અને યુનિવર્સિટી પોલો એસોસિએશનના ભૂતપૂર્વ અધ્યક્ષ પણ હતા. 2012માં રિચાર્ડ બ્રિટન-લોંગ પાસેથી પદ સંભાળ્યું હતું અને ધિલ્લોને ચાર વર્ષ સુધી પોલો ક્લબના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.