.યુકેની પ્રાઇવેટ ઇક્વિટી કંપની એન્ડલેસે ખાદ્યતેલ અને ટીન્ડ ફૂડ સપ્લાયર કંપની KTC એડિબલ્સને હસ્તગત કરી છે. આ સોદાની નાણાકીય વિગતો જાહેર કરવામાં આવી નથી. વેસ્ટ મિડલેન્ડ્સના વેડન્સબરીમાં હેડક્વાર્ટર ધરાવતી કેટીસી હાલમાં બ્રિટન અને વિશ્વના મેન્યુફેક્ચરર્સ, રિટેલર્સ અને હોલસેલર્સને વાર્ષિક આશરે 250 મિલિયન લીટર કુકિંગ ઓઇલનો સપ્લાય આપે છે.
કંપની કેન્ડ ફૂડ્સ, સોસ અને કન્ડિમેન્ટ્સ તથા પાસ્તા, રાઇસ અને લેન્ટિલ્સ જેવા ડ્રાય ફૂડ્સનું પણ ઉત્પાદન કરે છે.
KTC આશરે 400 મિલિયન પાઉન્ડનું ટર્નઓવર ધરાવે છે. તે ચાર ઉત્પાદન પ્લાન્ટ અને 450 કર્મચારી ધરાવે છે.
KTCના સીઇઓ પરેશ મહેતાએ જણાવ્યું હતું કે આ KTC માટે અદભૂત ન્યૂઝ છે. બિઝનેસ રાબેતા મુજબ રહેશે, પરંતુ નવા માલિક દ્વારા લાવવામાં આવનારી તકોથી અમે પ્રોત્સાહિત છીએ તથા અમે ઝડપી વૃદ્ધિ અને વિકાસ ચાલુ રાખવા માટે આતુર છીએ. અમે છેલ્લાં 50 વર્ષમાં એક મજબૂત બિઝનેસનું નિર્માણ કરવા બદલ અને કંપનીને સમર્થન આપવા બદલ ખેરા પરિવાર અને કર્મચારીઓનો આભાર માનવા માગીએ છીએ.
એન્ડલેસ દ્વારા એક્વિઝિશનથી કંપનીને તેની વિસ્તરણ યોજના ચાલુ રાખવામાં મદદ મળશે અને તે તેના કામકાજ, રેન્જ અને સર્વિસ ઓફરિંગના વધુ વિકાસ કરી શકશે. આ રોકાણથી એન્ડલેસના હાલના પોર્ટફોલિયામાં વધુ એક બ્રિટિશ ફૂડ કંપની સામેલ થશે. હાલના પોર્ટફોલિયોમાં હોવીસ, બ્રાઇટ બ્લૂ ફૂડ્સ અને યોર્કશાયર પ્રીમિયર મીટ જેવી ફૂડ કંપનીઓનો સમાવેશ થાય છે.