મથુરામાં કૃષ્ણ જન્મસ્થાન મંદિર સંકુલ અને શાહી ઈદગાહ મસ્જિદનું દૃશ્ય (ANI Photo)

અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે ઉત્તરપ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી 17મી સદીની શાહી ઈદગાહ મસ્જિદના સરવેને લીલીઝંડી આપી હતી. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદની જેમ આ સરવે કરવામાં આવશે. હિન્દુ સંગઠનોએ દાવો છે કે શાહી ઈદગાહ મસ્જિદ ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પર બનાવવામાં આવી હતી અને સરવેની માંગ કરી હતી.

ગયા વર્ષે ડિસેમ્બરમાં સ્થાનિક અદાલતે આ માંગણી સ્વીકારી હતી, પરંતુ મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં વાંધો દાખલ કર્યો હતો. મુસ્લિમ પક્ષ હવે આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં જાય તેવી ધારણા છે.

હાઇકોર્ટે સરવેની મંજુરી સાથે ફોટોગ્રાફી અને વીડીયોગ્રાફી કરવા પણ જણાવ્યું છે. મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળને અડીને આવેલી મસ્જિદમાં સરવે માટે 18 અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અલાહાબાદ હાઈકોર્ટે એક સાથે સુનાવણી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટમાં ASI સરવે માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરાઈ હતી. તેમાં જણાવાયું હતું કે મસ્જિદના સ્તંભના પાયામાં હિન્દુ ધર્મનું પ્રતીક છે જે મંદિરની કોતરણીમાં સ્પષ્ટ દેખાય છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું હતું કે અમે એડવોકેટ કમિશનરની નિમણૂક જારી કરી રહ્યા છીએ. કોર્ટે શાહી ઇદગાહ સંકુલના ASI સરવેની મંજૂરી આપી છે. જોકે ASI સર્વે ક્યારે થશે અને તેમાં કેટલા લોકો ભાગ લેશે તે બધું 18મી ડિસેમ્બરના રોજ નક્કી થશે.

શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટના મુખ્ય પક્ષકાર ભૃગુવંશી આશુતોષ પાંડેએ કહ્યું કે આ કરોડો હિન્દુઓની આસ્થાનો મામલો છે. ભગવાન ફક્ત આપણા છે. અયોધ્યા અમારી બની ગઈ છે અને હવે મથુરાનો વારો છે.

LEAVE A REPLY