સંયુક્ત કિસાન મોરચા (SKM) સહિત અનેક ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકાર સમક્ષ તેમની માંગણીઓ માટે દબાણ કરવા માટે શુક્રવાર, 16 ફેબ્રુઆરીના રોજ ગ્રામીણ ભારત બંધ અથવા દેશવ્યાપી હડતાલની હાકલ કરી હતી. સંયુક્ત કિસાન મોરચાએ તમામ સમાન વિચારધારા ધરાવતા ખેડૂતોના સંગઠનોને 16 ફેબ્રુઆરીના ગ્રામીણ ભારત બંધમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો.
ખેડૂતોએ કૃષિ પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવ (એસએપસી)ની કાનૂની ગેરંટી માટે કાયદા બનાવવા સહિતની માગણી સાથે 13 ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો’ કૂચનું એલાન આપ્યું હતું. આ પછી ખાસ કરીને પંજાબના ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ કરવા માટે પંજાબ અને હરિયાણા વચ્ચેની બોર્ડર પર એકઠા થયા છે, જોકે હરિયાણાની સરકારે પંજાબના ખેડૂતોને હરિયાણા બોર્ડર પર જ અટકાવી દીધા છે અને 16 ફેબ્રુઆરી સુધી આગળ વધવા દીધા નથી.
2020-21ના ખેડૂતોના આંદોલનમાં સામેલ મુખ્ય ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચા અને કેન્દ્રીય ટ્રેડ યુનિયન દ્વારા બોલાવવામાં આવેલા ‘ભારત બંધ’ને ધ્યાનમાં રાખીને નોઇડા અને ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં અનધિકૃત મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સંગઠનો ‘દિલ્હી ચલો’ કૂચનો ભાગ નથી, પરંતુ વ્યાપક રીતે, તેમની માંગણીઓ સમાન છે.
અત્યાર સુધી ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે ત્રણ રાઉન્ડની મંત્રણા થઈ છે, પરંતુ તેમાં કોઇ નિર્ણય આવ્યો નથી. જોકે ખેડૂતો રવિવારે મંત્રણા કરવા માટે તૈયાર થયા છે.
ખેડૂત સંગઠનોની 13 ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો’ કૂચ પહેલા હરિયાણા અને દિલ્હીના સત્તાવાળાએ વાહનોના પ્રવેશને રોકવા કોંક્રિટ બ્લોક્સ, રોડ સ્પાઇક અવરોધો અને કાંટાળા વાયરો મૂકીને પડોશી રાજ્યો સાથેની સરહદોની કિલ્લેબંધી કરી હતી. સત્તાવાળાએ હજારોની સંખ્યામાં પોલીસ તૈનાત કરીને પ્રતિબંધાત્મક આદેશો પણ જારી કર્યાં છે.
2020-21ના ખેડૂતોના આંદોલનના સ્થળો એટલે કે દિલ્હીની સિંઘુ, ગાઝીપુર અને ટિકરી સરહદો પર દિલ્હી પોલીસ બેરિકેડ લગાવીને સઘન ચેકિંગ ચાલુ કર્યું છે. રાષ્ટ્રીય રાજધાનીના પૂર્વોત્તર જિલ્લામાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો પણ લાગુ કરાયા હતાં.
ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરતાં અટકાવવા માટે લેવામાં આવેલા પગલાંની વિરોધ પક્ષો અને ખેડૂત સંગઠનોએ આલોચના કરી હતી. ખેડૂતોને કોંગ્રેસ અને બીજા કેટલાંક વિપક્ષોનું સમર્થન મળ્યું છે. રાહુલ ગાંધીએ ખેડૂતોના માર્ગમાં બિછાવવામાં આવેલા ખિલાને જડમૂળથી ઉખેડી નાંખવાનો લોકોને હાકલ કરી હતી. પંજાબના મુખ્યપ્રધાન અને AAP નેતા ભગવંત માને દિલ્હી અને હરિયાણાના રસ્તાઓને ભારત-પાકિસ્તાન સરહદ સાથે સરખાવ્યા હતાં.
હરિયાણા સરકારે 15 જિલ્લામાં પાંચથી વધુ લોકોને એકઠા થતાં અટકાવવા માટે CrPCની કલમ 144 લાગુ કરી છે અને કોઈપણ પ્રકારના પ્રદર્શન અથવા કૂચ પર પ્રતિબંધ મૂક્યો છે. હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર ફરીથી ટીયર ગેસના શેલ છોડ્યાં હતા. હરિયાણા પોલીસે ખેડૂતોને વિખેરી નાંખવા માટે ડ્રોનથી પણ ટીયર ગેસના શેલ છોડ્યાં હતા.
એમએસપી માટે કાનૂની ગેરંટી ઉપરાંત, ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણોના અમલ, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, કૃષિ દેવા માફી, પોલીસ કેસ પાછા ખેંચવા અને લખીમપુર ખીરી હિંસા પીડિતો માટે ન્યાય માગણી કરી રહ્યાં છે.
પંજાબના ખેડૂતો હરિયાણા અને પંજાબ વચ્ચેની શંભુ અને ખનૌરી બોર્ડર પોઈન્ટ પર બેઠા છે, તેઓ દિલ્હી તરફ આગળ વધવા ઈચ્છે છે. ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે મંત્રીઓ સાથે બેઠક ન થાય ત્યાં સુધી તેઓ રાષ્ટ્રીય રાજધાની તરફ જવાનો કોઈ નવો પ્રયાસ કરશે નહીં. કેન્દ્રની દરખાસ્તોના આધારે ભાવિ પગલાં નક્કી કરવામાં આવશે.