ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્ક કોટક મહિન્દ્રા બેન્કે ગયા સપ્તાહે કહ્યું હતું કે તે પ્રમોટર હિસ્સો ઘટાડવાના મામલે રિઝર્વ બેન્ક સામેનો કોર્ટ કેસ પાછો ખેંચી લેશે. તેણે આ સાથે કહ્યું હતું કે બેન્કના પ્રમોટરો તેમનો હિસ્સો 6 મહિનામાં ઘટાડીને 26 ટકા કરી દેશે. કોટક મહિન્દ્રા બેન્કે કહ્યું હતું કે RBIએ આગામી છ મહિનામાં પ્રમોટરનો હિસ્સો ઘટાડીને પેઈડ અપ વોટિંગ ઈક્વિટી શેર કેપિટલ(PUVESC)ના 26 ટકા હિસ્સો કરવા માટે સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી છે.
રિઝર્વ બેન્કે અગાઉ પ્રમોટરોને તેમનો હિસ્સો 31 ડિસેમ્બર, 2018 સુધીમાં ઘટાડીને 20 ટકા કરી દેવા કહ્યું હતું અને 31 માર્ચ, 2020 સુધીમાં હિસ્સો ઘટાડીને 15 ટકા કરી દેવા કહ્યું હતું.
બેન્કે કહ્યું હતું કે રિઝર્વ બેન્કે પ્રમોટરના વોટિંગ રાઈટ્સ 31 માર્ચ, 2020 સુધીમાં PUVESCના 20 ટકા સુધી મર્યાદિત રાખવા સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી છે અને પ્રમોટરોનું શેરહોલ્ડિંગ છ મહિનામાં ઘટાડીને PUVESCના 26 ટકા કરવા સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી છે. આ ઉપરાંત પ્રમોટરના વોટિંગ રાઈટ્સ પર 1 એપ્રિલ, 2020થી PUVESCના 15 ટકાની મર્યાદા રહેશે. ત્યાર બાદ પ્રમોટરો તેમનું હોલ્ડિંગ 15 ટકા ન થાય ત્યાં સુધી વોટિંગ અધિકાર સાથે કોઈ જ ઈક્વિટી શેર નહીં ખરીદે.
બેન્કે કહ્યું હતું કે રિઝર્વ બેન્કે પ્રમોટરને બેન્કની PUVESCના 15 ટકા સુધીના પેઈડ અપ વોટિંગ ઈક્વિટી શેર ભવિષ્યમાં ખરીદવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને આવી ખરીદી પર તેમના વોટિંગ રાઈટ્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. બેન્કે કહ્યું હતું કે ‘અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઉપરોક્ત બાબતનું પાલન કરવાનો ઠરાવ કર્યો છે. બેન્કે બોમ્બે હાઈકોર્ટમાં રિઝર્વ બેન્ક સામે કરેલી પિટીશન પાછી ખેંચી લેવામાં આવી રહી છે.’
ઉલ્લેખનીય છે કે કોટક મહિન્દ્રા બેન્કના પ્રમોટર ઉદય કોટક અને પ્રમોટર ગ્રુપનું બેન્કમાં શેરહોલ્ડિંગ આજની તારીખે 29.96 ટકા છે. ઉદય કોટક બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ છે. ઓગસ્ટ 2018માં બેન્કે પ્રમોટર હોલ્ડિંગ ઘટાડીને 19.70 ટકા કરવા માટે પરપેચ્યૂઅલ નોન-ક્યૂમ્યુલેટિવ પ્રેફરન્સ શેર(PNCPS)ઈશ્યૂ કરવાની દરખાસ્ત કરી હતી. પરંતુ રિઝર્વ બેન્કે આ દરખાસ્ત નકારી કાઢી હતી.
આથી બેન્કે RBIના એ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. RBIના બેન્કિંગ લાઈસન્સિંગ નિયમ મુજબ ખાનગી બેન્કના પ્રમોટરે બેન્કમાં તેમનો હિસ્સો ત્રણ વર્ષમાં ઘટાડીને 40 ટકા, 10 વર્ષમાં હિસ્સો ઘટાડીને 20 ટકા અને 15 વર્ષમાં હિસ્સો ઘટાડીને 15 ટકા કરી દેવાનો રહે છે.
કોટક મહિન્દ્રા ગ્રુપના ફાઈનાન્શિયલ યુનિટ કોટક મહિન્દ્રા ફાઈનાન્સને બેન્કિંગ લાઈસન્સ મળ્યું હતું અને તે દેશની પ્રથમ NBFC બની હતી, જે બેન્કમાં કન્વર્ટ થઈ હતી. એપ્રિલ 2015થી અન્ય ખાનગી સેક્ટરની બેન્ક આઈએનજી વૈશ્યનું કોટક મહિન્દ્રા બેન્કમાં મર્જર થઈ ગયું હતું.