જો ગુજરાત અને રાજસ્થાનના લોકોને હાંકી કાઢવામાં આવશે તો મુંબઈમાં કોઇ પૈસા રહેશે નહીં તેવા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદનથી શનિવારે ભાવે વિવાદ ઊભો થયો હતો. રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પણ કહેવું પડ્યું હતું કે તેઓ ગવર્નરના નિવેદન સાથે સંમત નથી.
વિરોધ પક્ષના નેતાઓએ કોશ્યારીના નિવેદનની આકરી ટીકા કરીને માફીને માગણી કરી હતી. જોકે ગવર્નરે જણાવ્યું હતું કે તેમની ટીપ્પણીનું ખોટું અર્થઘટન કરાયું છે.
મુંબઈના અંધેરીમાં એક ચોકના નામકરણ અંગેના કાર્યક્રમમાં કોશ્યારીએ આ ટીપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું અહીંના લોકોને કહું છું કે જો ગુજરાત અને રાજસ્થાનના લોકોને મહારાષ્ટ્રમાંથી અને ખાસ કરીને મુંબઈ અને થાણેમાંથી દૂર કરવામાં આવશે તો તમારી પાસે કોઇ નાણા રહેશે નહીં અને મુંબઈ આર્થિક રાજધાની રહેશે નહીં. જોકે વિવાદ ઊભો થતા કોશ્યારીએ જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીઓએ વિવાદ ઊભો ન કરવો જોઇએ. મરાઠી લોકોના યોગદાનને નીચું દેખાડવાનો સવાલ નથી તથા એક સમુદાયની પ્રશંસાનો અર્થ બીજાનું અપમાન નથી.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રાજ્યપાલ કહેવા માગે છે કે મરાઠી લોકો અને મહારાષ્ટ્ર ભીખારી છે.
માલેગામમાં પત્રકારો સાથે વાતચીત કરતા શિવસેનાના બળવાખોર જૂથના નેતા અને રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે અમે કોશ્યારીની ટીપ્પણી સાથે સંમત નથી. તે તેમનો અંગત અભિપ્રાય છે. તેમણે સ્પષ્ટતા કરી છે. તેઓ બંધારણીય હોદ્દા છે અને કાળજી રાખવી જોઇએ કે તેમના પગલાંથી બીજાનું અપમાન ન થાય. મરાઠી સમાજના સખત પરિશ્રમે મુંબઇના વિકાસ અને પ્રગતિમાં સખત યોગદાન આપ્યું છે. કોઇ મુંબઈ અને મરાઠી લોકોનું અપમાન કરી શકે નહીં. ડેપ્યુટી મુખ્યપ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યું હતું કે મરાઠી બોલતા લોકોએ મહારાષ્ટ્રના વિકાસ અને પ્રગતિમાં મોટું યોગદાન આપ્યું છે.ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ મરાઠી લોકોએ વૈશ્વિક સિદ્ધિ મેળવી છે. અમે ગવર્નરની ટીપ્પણી સાથે સંમત નથી.
રાજ્યપાલને પરત કે જેલમાં મોકલવાનો સમયઃ ઉદ્ધવ
રાજ્યપાલ પાસે માફી માગવાની માગણી કરતાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે કોશ્યારીને પરત મોકલવા કે જેલમાં મોકલવા તે નક્કી કરવાનો સમય થઈ ગયો છે. તેમણે મુંબઈ અને થાણેમાં દાયકાઓથી શાંતિપૂર્ણ રીતે રહેતા હિન્દુઓનું વિભાજન કરવાનો પણ ગવર્નર પર આક્ષેપ કર્યો હતો. માતોશ્રી ખાતે પત્રકાર પરિષદમા ઠાકરેએ જણાવ્યું હતું કે મરાઠી લોકો સામે રાજ્યપાલના મનમાં રહેલી ઘૃણા અજાણતા બહાર આવી ગઈ છે. મહારાષ્ટ્રમાં રહેતા હોવા છતાં ગવર્નર છેલ્લાં ત્રણ વર્ષથી મરાઠીઓનું અપમાન કરી રહ્યાં છે. 1992ના કોમી તોફાનોમાં શિવસેનાએ હિન્દુઓને બચાવ્યા હતા.
કોશ્યારીના વાણી-વર્તનમાં હોશિયારી નથીઃ કોંગ્રેસ
કોંગ્રેસે પણ કોશ્યારીના નિવેદનની આકરી ટીકા કરી હતી. પક્ષના મહામંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું કે કોશ્યારી રાજ્યપાલના હોદ્દા પર હોવાનું મુખ્ય કારણ એ છે કે તેઓ સરકારના ટોચના બે લોકોની આજ્ઞાનું શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે.તેમનું નામ કોશ્યારી છે, પરંતુ એક ગવર્નર તેમના વાણી અને વર્તનમાં કોઇ હોશિયારી નથી. કોંગ્રેસ નેતા મિલિન્દ દેવરાએ તેમના માતાપિતાનું ઉદાહરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે મુંબઈની મજબૂતાઈ તેની વિવિધતા છે. મારા પિતા રાજસ્થાન અને માતા કોલ્હાપુરના હતા છતાં પોતાની મુંબઈકર તરીકે ઓળખ આપતા હતા.