ભારતના રેકોર્ડ હોલ્ડર બેટર વિરાટ કોહલીએ અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચમાં પણ નહીં રમવા વિનંતી કરી હતી, જે ક્રિકેટ બોર્ડે માન્ય રાખી સીરીઝની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટેની ટીમની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. તો શ્રેયસ ઐયરનો પીઠ તથા પગની – થાપાની તકલીફના કારણે સમાવેશ કરાયો નથી. બીજી ટેસ્ટમાંથી બહાર થયેલા કે. એલ. રાહુલ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો છે, પણ ગુરૂવારથી રાજકોટમાં શરૂ થતી ત્રીજી ટેસ્ટ માટે ફિટનેસ ટેસ્ટ પછી તેમનો ફાઈનલ ઈલેવનમાં સમાવેશનો નિર્ણય લેવાશે.
વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ પછી ઐય્યરે કમર જકડાઈ જવાની અને ગ્રોઈન એરિયામાં દુખાવાની ફરિયાદ કરી હતી.ટીમમાં આવેશ ખાનની જગ્યાએ ફાસ્ટ બોલર આકાશ દીપની પસંદગી કરાઈ છે. આકાશ દીપે તાજેતરમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે શાનદાર બોલિંગ કરીને પસંદગીકારો તથા કેપ્ટનને પ્રભાવિત કર્યા હતા.
બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા (સુકાની), જસપ્રીત બુમરાહ (ઉપસુકાની), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કે. એલ. રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કે. એસ. ભરત (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને આકાશ દીપ.