વિરાટ કોહલીએ શનિવારે ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટનનું પદ છોડવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી ધડાકો કર્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની નિર્ણાયક ટેસ્ટમાં ભારતનો પરાજય થયા બાદ બીજા જ દિવસે વિરાટ કોહલીએ આ જાહેરાત કરી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે કોહલીના વણસેલા સંબંધોને પગલે તેણે ટ્વીટ કરીને ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન તરીકે જવાબાદી છોડી રહ્યો હોવાનું જણાવ્યું હતું. અગાઉ તેણે ટી20 વર્લ્ડ કપ પૂર્વે ભારતની ટી20 ટીમની કેપ્ટનશિપ છોડી હતી. ત્યારબાદ તેને વન-ડે ટીમના કેપ્ટનપદેથી હટાવવામાં આવ્યો હતો.
વિરાટ કોહલીને 2014માં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. તે વખતે તત્કાલિન કેપ્ટન એમ એસ ધોનીએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી અધવચ્ચે છોડતાં કોહલીને ટેસ્ટ ટીમનો સુકાની બનાવાયો હતો. કોહલીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, મે સાત વર્ષ મહેનત કરી અને સંઘર્ષ સાથે ટીમને સાચી દિશામાં લઈ જવા પ્રયાસ કર્યો. મે મારું કામ સંપૂર્ણ ઈમાનદારી સાથે કર્યું. મારા તરફથી મે કોઈ કસર બાકી રાખી નથી. દરેક ચીજને અટકવાનો એક સમય હોય છે અને મારી માટે ભારતીય ટીમ ટેસ્ટ કેપ્ટન પદ છોડવાનો આ સમય છે.
કોહલીએ આ અંગે ટ્વીટ કરી માહિતી આપતા એક ભાવુક સંદેશો પણ શેર કર્યો છે. આની પહેલા BCCIએ લિમિટેડ ઓવરમાં એક જ કેપ્ટન રાખવા મુદ્દે વિરાટને વનડે કેપ્ટન પદેથી હટાવી રોહિતની પસંદગી કરી હતી.
કપ્તાન તરીકે કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન રહ્યો છે. વિરાટના નેતૃત્વમાં ભારતીય ટીમ ટેસ્ટમાં વર્લ્ડ રેન્કિંગમાં ટોચના ક્રમે પહોંચી હતી. કોહલી ટેસ્ટ ઈતિહાસનો ત્રીજો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. અગાઉ સ્ટીવ વોએ કપ્તાન તરીકે 57 ટેસ્ટમાંથી 41 ટેસ્ટ જીતી છે જ્યારે રિકી પોન્ટિંગ 77માંથી 48 ટેસ્ટ જીતી છે. કોહલીએ 68 ટેસ્ટમાં નેતૃત્વ કર્યું જેમાં 48માં ભારતનો વિજય થયો છે.
કોહલીની આગેવાનીમાં ભારતને ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક શ્રેણી જીત મેળવવામાં સફળતા મળી હતી. 2021માં ભારત કોહલીના નેતૃત્વમાં જ પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પહોંચ્યું હતું.