કોહિનૂર હીરા સહિત બ્રિટનના મ્યુઝિયમોમાં મુકવામાં આવેલી વસાહતી યુગની પ્રાચીન ભારતીય મૂર્તિઓ, શિલ્પો અને હજારો કલાકૃતિઓને પાછી મેળવવા માટે ભારત લાંબા ગાળાની રાજદ્વારી ઝુંબેશ શરૂ કરી રહ્યું છે. ભારતમાંથી લેવામાં આવેલી ઐતિહાસિક કલાકૃતિઓનું પુનઃપ્રાપ્તિ ભારતીય રાજકારણમાં પહેલેથી ચાલ્યો આવતો મુદ્દો છે અને આ મુદ્દો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની પ્રાથમિકતાઓમાંનો એક છે, અને તે બંને દેશો વચ્ચે રાજદ્વારી અને વેપારને લગતી મંત્રણાઓ દરમિયાન ભારત આ મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે તેવો દાવો વિખ્યાત બ્રિટિશ અખબાર ધ ડેઇલી ટેલિગ્રફે કર્યો છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) વિભાગ આઝાદી પછી દેશની બહાર “તસ્કરી” કરીને લઇ જવાયેલી મૂર્તિઓ, શિલ્પો અને કલાકૃતિઓની પુનઃપ્રાપ્તી કરવાના પ્રયાસોમાં અગ્રણી હોવાનું કહેવાય છે અને 2014 બાદ 300 કલાકૃતિઓ પરત લવાઇ છે. નવી દિલ્હી સ્થિત ભારતીય અધિકારીઓ બ્રિટનમાં બેઠેલા ડિપ્લોમેટ્સ સાથે બ્રિટીશર્સે ભારત પર કરેલા શાસન દરમિયાન જે પણ કિંમતી કલાકૃતિઓ અને શિલ્પો બ્રિટન ભેગા કર્યા હતા તે પાછા કેવી રીતે મેળવી શકાય તે માટે વાતચીત કરી રહ્યા છે.
ધ ડેઇલી ટેલિગ્રફે પોતાના એક્સક્લુસિવ અહેવાલમાં જણાવ્યું હતું કે ‘’ભારત સરકાર આ કલાકૃતિઓ જ્યાં પણ રાખવામાં આવી છે તે સંસ્થાઓને પત્ર લખીને તેને પાછી મેળવવા માટે અનુરોધ કરનાર છે. તેની શરૂઆત નાના મ્યુઝિયમ અને ખાનગી સંગ્રહકો (કલેકટરો)થી કરવામાં આવશે અને તેમને સ્વેચ્છાએ ભારતની મહાન ધરોહરોને પાછી સોંપવા માટે અનુરોધ કરાશે. એ કામમાં સફળતા મળ્યા બાદ મોટા મ્યુઝિયમો અને શાહી પરિવારના સંગ્રહ તરફ નજર દોડાવવામાં આવશે.”
એક ભારતીય અધિકારીનુ કહેવુ હતું કે, પ્રાચીન વસ્તુઓનું તો મુલ્ય આંકી શકાય તેમ નથી. પણ તે દેશની સાંસ્કૃતિક વિરાસત અને રાષ્ટ્રીય ઓળખ છે. આ કલાકૃતિઓની લૂંટ ચલાવીને ભારતની સાંસ્કૃતિક ધરોહર અને વિરાસતને લૂંટવામાં આવી છે.
નવી દિલ્હી સ્થિત વરિષ્ઠ અધિકારીઓ માને છે કે આવી ઐતિહાસિક કલાકૃતિઓ એક મજબૂત રાષ્ટ્રીય સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવી શકે છે. મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના જોઇન્ટ સેક્રેટરી લીલી પાંડેયે જણાવ્યું હતું કે “પ્રાચીન કલાકૃતિઓનું ભૌતિક અને અમૂર્ત મૂલ્ય છે, તે સાતત્યનો એક ભાગ છે. સાંસ્કૃતિક વારસો, સમુદાય અને રાષ્ટ્રીય ઓળખ છે. આ કલાકૃતિઓને લૂંટીને, તમે આ મૂલ્યને લૂંટી રહ્યા છો, અને જ્ઞાન અને સમુદાયની સાતત્યતાને તોડી રહ્યા છો.’’
ધ ડેઇલી ટેલિગ્રાફે નવી દિલ્હીના મિનિસ્ટરીયલ વર્તુળોની માહિતીને આધારે જણાવ્યું હતું કે ‘’આવી ઐતિહાસિક રીતે નોંધપાત્ર કલાકૃતિને પરત લાવવી તે મહત્વપૂર્ણ બાબત છે અને આવી સાંકેતિક પોસ્ટ-કોલોનિયલ જીત હાંસલ કરવા માટે રાજકીય ઇચ્છા હોવાનું સમજાય છે.”
બ્રિટિશ મ્યુઝિયમ તેની પાસેની હિંદુ મૂર્તિઓ અને અમરાવતી માર્બલ્સના સંગ્રહ માટે દાવાઓનો સામનો કરી શકે તેમ છે, જેને સિવિલ સર્વન્ટ સર વોલ્ટર ઇલિયટ દ્વારા બૌદ્ધ સ્તૂપમાંથી લેવામાં આવ્યા હતા. આજ રીતે વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમના ભારતીય સંગ્રહ પર પણ દાવાઓ થઈ શકે છે. દક્ષિણ ભારતના એક મંદિરમાંથી લવાયેલી કાંસાની મૂર્તિ અંગે ઓક્સફોર્ડના એશમોલીયન મ્યુઝિયમનો સંપર્ક કરવામાં આવ્યો છે.
ASIના વડા પ્રોફેસર આલોક ત્રિપાઠી કહે છે કે “લોકોમાં એક સભાનતા આવી રહી છે, કે આ કલાકૃતિઓ ક્યાં છે અને ક્યાં હોવી જોઈએ.”
મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના સેક્રેટરી ગોવિંદ મોહનનું કહેવું છે કે ‘’પ્રાચીન વસ્તુઓ પરત કરવી એ ભારતના નીતિ-નિર્માણનો મુખ્ય ભાગ બનશે. સરકાર માટે તે ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતની કલાકૃતિઓને પરત લાવવાના આ પ્રયાસનો ભાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત પ્રતિબદ્ધતામાંથી આવે છે, જેમણે તેને મુખ્ય પ્રાથમિકતા બનાવી છે.”
નવી દિલ્હીમાં અધિકારીઓ બ્રિટિશ શાસન દરમિયાન યુકે લવાયેલી કલાકૃતિઓને પરત લાવવા માટે એક અલગ દબાણનું સંકલન કરી રહ્યા છે. તેઓ તપાસ કરી રહ્યા છે કે આ કલાકૃતિઓની ચોરી કરવામાં આવી હતી કે “વસાહતી બળજબરી”ની સ્થિતિમાં તેને “અનૈતિક રીતે” દૂર કરવામાં આવી હતી. જો કે આ બન્ને સ્થિતીમાં યુકે જે તે કલાકૃતિઓ પરથી પોતાનો અધિકાર ગુમાવે છે.
લંડનમાં રાજદ્વારી સંસ્થાઓને આ કલાકૃતિઓ પરત કરવા માટેની ઔપચારિક વિનંતીઓની પ્રક્રિયા આ વર્ષથી શરૂ થવાની છે. બ્રિટનની કેટલીક સંસ્થાઓએ કહ્યું છે કે તેઓ પોતાને ત્યાં સચવાયેલી કલાકૃતિઓ જે તે દેશમાં પરત મોકલવા માટે ખુલ્લુ મન ધરાવે છે. ઓક્સફર્ડની અશ્મોએલન યુનિવર્સિટીએ તેના બેનિન બ્રોન્ઝનો સંગ્રહ નાઇજીરીયાને પરત કરવાનું વચન આપ્યું છે.
V&A ના ડાયરેક્ટર ટ્રીસ્ટ્રામ હંટે કલાકૃતિઓ સ્વદેશ પરત મોકલવાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે, પરંતુ તેમના સંગ્રહને અકબંધ રાખવાના કાયદાના કારણે તેઓ બંધાયેલ છે. બ્રિટિશ મ્યુઝિયમ માટે પણ આ જ કાયદો લાગુ પડે છે. યુકે સરકાર કહે છે કે કલાકૃતિઓને પરત મોકલવા મંજૂરી આપવા માટે કાયદામાં ફેરફાર કરવાની તેની કોઈ યોજના ધરાવતું નથી અને તેથી મડાગાંઠ ચાલુ રહે છે.
પરંતુ આજની આર્થિક સત્તા ભારત સાથે યુકે વિરોધી સંબંધો ઉભા કરવા માંગતુ નથી. ભારતના યુકે સાથેના વસ્તી વિષયક સંબંધો તેને અન્ય રાષ્ટ્રો કરતા લાભ આપી શકે છે.