ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ રવિવારે બીજી ટી-20માં અણનમ 73 રનની ઈનિંગ રમી ટી-20 ઈન્ટરનેશનલ્સમાં 3,000 રન કરવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. 49 બોલમાં પાંચ ચોગ્ગા અને 3 છગ્ગા સાથે કોહલીએ ભારતના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવીને આ રેકોર્ડ કર્યો હતો. વિરાટે 87 મેચમાં 81 ઈનિંગ્સમાં આ રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત, તેણે કુલ 26 વખત અડધી સદી કરી સૌથી વધુ અડધી સદીનો પણ રેકોર્ડ નોંધાવ્યો છે. આ અગાઉ, 25 અડધી સદીનો રેકોર્ડ રોહિત શર્માના નામે હતો. રોહિતે અલબત, ચાર સદી કરી છે, જ્યારે કોહલીના નામે એકપણ સદી નથી.
તો પ્રથમ ટી-20માં શૂન્ય રને ઘરભેગા થયેલા કોહલીનો સૌથી વધુ ઝીરોનો ભારતીય સુકાનીઓનો નામોશીભર્યો રેકોર્ડ પણ છે. કોહલી સુકાની તરીકે 14 વખત ઝીરોમાં આઉટ થયો છે, તે અગાઉ સૌરવ ગાંગુલીના નામે આ રેકોર્ડ 13 વખતનો હતો. ગાંગુલી પછીનો સુકાની ધોની 10 ઝીરોનો રેકોર્ડ ધરાવે છે.