સુરત એરપોર્ટના નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનો નજારો (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 17 ડિસેમ્બરે સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાના છે. આ ટર્મિનલ બિલ્ડીંગ પીક અવર્સ દરમિયાન 1,200 ડોમેસ્ટિક મુસાફરો અને 600 આંતરરાષ્ટ્રીય મુસાફરોને હેન્ડલ કરવા માટે સજ્જ છે અને તેમાં પીક અવર્સની ક્ષમતા વધારીને 3000 મુસાફરો કરવા માટેની જોગવાઈઓ છે. તેની વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા વધીને 55 લાખ મુસાફરો સુધી થાય છે.

સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. દુબઈ તેમજ હોંગકોંગની ફ્લાઈટ પણ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. નવા ટર્મિનલને ખુલ્લુ મૂકવાની સાથે સુરતનું વિશ્વના ફલક સાથે નવું જોડાણ થયું છે. રૂ.354 કરોડના ખર્ચે આ નવુ ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થયું છે. તેની એલિવેશનની થીમ જૂના સુરત શહેરની શેરીઓમાં મકાનોની જે બાંધકામની શૈલી હતી, તેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

પેસેન્જર માટે આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટર્મિનલ બિલ્ડિંગમાં 19 ચેક-ઇન કાઉન્ટર છે. પાંચ એરોબ્રિજ છે. સુરત આવતા પેસેન્જર માટે ઇન-લાઇન બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ સાથેના પાંચ કન્વેયર બેલ્ટ ઉપલબ્ધ છે. એરપોર્ટ કેમ્પસમાં 475 કારના પાર્કિંગ માટેની સુવિધા બનાવાઈ છે.

ગ્રીન બિલ્ડિંગ તરીકે તેની ડિઝાઈન તૈયારી કરવામાં આવી છે. ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (GRIHA) પ્રમાણે ફોર સ્ટાર રેટિંગ છે. આ પ્રમાણે તૈયાર થયેલા આ નવા ટર્મિનલ બિલ્ડિંગની સ્ટેબિલિટીની સાથે પર્યાવરણને માટે પણ અનુકૂળ હશે. ટર્મિનલ બિલ્ડીંગના ઇન્ટીરિયરમાં ગુજરાતની કલા અને સંસ્કૃતિને દર્શાવવામાં આવી છે. ગુજરાતના પતંગ મહોત્સવ અને કાપડની કારીગરીને દર્શાવતી સ્થાનિક કલાથી શણગારવામાં આવી રહી છે. ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ બાદ ટર્મિનલ બિલ્ડિંગ સાથે પાંચ પાર્કિગ બે હશે પરંતુ ડિઝાઇન એ રીતે કરાઈ છે કે, જરૂર પડ્યે 18 પાર્કિંગ બે તરીકે પણ ઉપયોગ કરી શકાશે.

 

LEAVE A REPLY