ભારતીય પસંદગીકારોએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટેની ટીમમાં કે. એલ. રાહુલના સ્થાને ઈશાન કિશનના સમાવેશની જાહેરાત કરી છે. હાલમાં ચાલી રહેલી આઈપીએલની એક મેચમાં પગમાં ઈજા થવાના કારણે રાહુલ હવે આઈપીએલની પણ બાકીની મેચમાં રમી શકશે નહીં, તેના સ્થાને ટીમનું સુકાનીપદ કૃણાલ પંડ્યાને સોંપાયું છે. રાહુલને પગમાં ઓપરેશન કરાવવું પડશે. રાહુલ ઉપરાંત લખનઉની જ ટીમનો તેનો સાથી, સૌરાષ્ટ્રનો ઝડપી બોલર જયદેવ ઉનડકટ પણ ઈજાના કારણે હાલમાં આઈપીએલમાં રમી શકશે નહીં. તેની પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટેની ટીમમાં પસંદગી કરાઈ છે, પણ તેના વિષે ભારતીય ક્રિકેટ બોર્ડ પાછળથી નિર્ણય લેશે.
રાહુલના સ્થાને ઈશાન કિશનની પસંદગી તેની વિકેટ કીપર તરીકેની ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને કરાઈ છે. રાહુલ બીજો વિકેટ કીપર હતો, પણ હવે તે રમી શકે તેમ ના હોઈ કિશનનો સમાવેશ કરાયો છે. ભારતીય ટીમમાં મુખ્ય વિકેટ કીપર તરીકે કે. એસ. ભરત એક જ છે.
ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને સૂર્યકુમાર યાદવની સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદગી કરાઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 થી 11 જુન દરમિયાન ઈંગ્લેન્ડમાં લંડનના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.