કોલકતામાં એક કોન્સર્ટ બાદ કે કે તરીકે જાણીતા બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક ક્રિષ્નકુમાર કુન્નથના અકુદરતી મોતના મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોલકતા પોલીસે અકુદરતી મોતનો કેસ દાખલ કરીને તેની તપાસ ચાલુ કરી છે. રાજ્યમાં વિપક્ષ ભાજપે આ મોતના મુદ્દે પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને જવાબદાર ઠેરવીને તેની તટસ્થ તપાસની માગણી કરી હતી. બીજી તરફ ટીએમસીએ મોતના મુદ્દે રાજકારણ ન રમવાની ભગવા પાર્ટીને સલાહ આપી હતી.
પોલીસે જણાવ્યું હતું કે પોર્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તેના રીપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. કેકેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તે પહેલા શું થયું હતું તે સમજવા અમે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી રહ્યાં છીએ. આ કેસમાં બે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે બે કોલેજના પ્રોગ્રામમાં પર્ફોર્મ કરવા બે દિવસ કોલકતાની મુલાકાતે આવેલા 53 વર્ષીય સિંગર શહેરના નઝરુલ મંચા ઓડિટોરિયમમાં પર્ફોર્મ કરીને હોટેલમાં પરત આવ્યા હતા ત્યારે તેમના ચાહકોના ટોળાએ ઘેરી લઈને ધક્કે ચડાવ્યા હતા. ગાયકે કેટલાંક ચાહકોને તેમની સાથે સેલ્ફી લેવાની છૂટ આપી હતી, પરંતુ સેલ્ફી સેશન ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો. તેઓ હોટેલની લોબી છોડીને ઉપરના માળે ગયા હતા, જ્યાં ત્યારે ગબડી પડ્યા હતા. આ પછી કેકેને એક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા કેકેને કપાળની ડાબી બાજુ અને હોઠ પર એમ બે જગ્યાએ ઇજા થઈ હતી. ડોક્ટર્સે જણાવ્યું હતું કે હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાની આશંકા છે.
આ મોતની તટસ્થ તપાસની માગણી કરતા ભાજપે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી ન હતી. પ્રોગ્રામમાં બેઠકવ્યવસ્થા 3,000 લોકોની હતી, પરંતુ તેમાં 7,000 લોકો સામેલ થયા હતા. કેકેને ધક્કે ચડાવવામાં આવ્યા હતા.