કોરોનાના કેસોમાં ઉછાળા અને કોલ્ડવેવની વચ્ચે ગુજરાતમાં શુક્રવાર, 14 જાન્યુઆરીથી મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરી કરી હતી. વહેલી સવારથી તમામ ઉંમરનાં લોકો ખુશ થઈને સુંદર કપડા પહેરીને ઘરની છત અને અગાશીઓ પર ચઢીને હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણ્યો હતો. આખો દિવસ ધાબેથી “કાપ્યો છે!” અને “લપેટ લપેટ” જેવી વિવિધ બૂમો સાંભળવા મળી હતી.
આકાશ ઈન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગોથી છવાઇ ગયું હતું. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી (તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને ‘ચિકી’ ખૂબ ખાય છે અને ખવડાવે છે.ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમ, મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારો પૈકીનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની અને અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. શોખીનો રાત્રે અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ટુક્કલ પણ ઉડાડી હતી. મકરસંક્રાંતિનો બીજો દિવસ ‘વાસી ઉત્તરાયણ’ તરીકે મનાવાય છે.
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા પોતાના ભાઈના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પતંગ ચગાવ્યા હતા અને મકરસંક્રાંતિની ઉજવણી કરીને રાજ્યની પ્રજાને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યપ્રધાન બન્યા પછી ભૂપેન્દ્ર પટેલની આ પહેલી ઉત્તરાયણ છે. ભૂપેન્દ્ર પટેલે સવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. તેઓ સવારે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથજી ભગવાનના મંદિરે પહોંચ્યા હતા.