ગુજરાતમાં કોરોનાની સ્થિતિને નાથવા માટે રાજ્ય સરકાર ગુરુવારે એક્શન મોડમાં આવી હતી.પહેલા મુખ્યપ્રધાન કાર્યાલયે વાયબ્રન્ટ સમિટ 2022 મોકુફ રાખવાની જાહેરાત કરી હતી. આ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે યોજાતા ફ્લાવર શો 2022ને પણ રદ કરવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ સહિત રાજ્યભરમાં પતંગમહોત્સવના કાર્યક્રમો પણ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સત્તાવાળાએ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર કોરોના પર નિયંત્રણ મેળવવા હવે નવા નિયંત્રણો મુકે તેવી પ્રબળ સંભાવના છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગાંધીનગરમાં વાયબ્રન્ટની તૈયારીમાં રહેલા આરોગ્ય વિભાગના સચિવ, ટુરિઝમ સચિવ સહિત અડધો ડઝન અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય જીતુ ચૌધરી પણ બીજી વખત કોરોનાથી સંક્રમિત થયા હતા.
બુધવારે ગુજરાતમાં કોરોના વાઇરસના દૈનિક કેસ ગયા વર્ષના 26 માર્ચ પછી પ્રથમ વખત 3,000ને વટાવી ગયા હતા. બુધવારે રાજ્યમાં કુલ 3,350 કોરોના કેસ નોંધાયા હતા. બુધવારે રાજ્યમાં ઓમિક્રોનના 50 નવા કેસ નોંધાયા હતા અને તેનાથી કુલ કેસની સંખ્યા વધીને 204 થઈ હતી, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
રાજ્યમાં કોરોનાના કેસો વધતાં રાજ્ય સરકારે 10થી 12 જાન્યુઆરી યોજાનારી વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતી. વાયબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો રદ કરવામાં આવ્યો હતો. તેમજ ટ્રેડ શો સહિતના સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. ફલાવર શોમાં પણ હજારોની ભીડ ભેગી થાય અને કોરોના સુપર સ્પ્રેડર બને તે પહેલાં ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે.