1970ના દાયકામાં ભારત પ્રત્યે તીવ્ર અણગમો માટે જાણીતા બનેલા હેનરી કિસિંજરનું છેલ્લાં એક દાયકામાં હૃદયપરિવર્તન થયું હતું અને તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હેઠળ છેલ્લા એક દાયકામાં અમેરિકા અને ભારતના મજબૂત સંબંધોના હિમાયતી બન્યાં હતાં.
જૂનમાં મોદી અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયા હતાં ત્યારે કિસિંજરની તબિયત સારી ન હોવા છતાં વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ અને સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટોની બ્લિંકન દ્વારા સંયુક્ત રીતે આયોજિત લંચમાં મોદીનું સંબોધન સાંભળવા માટે કિસિંજર આવ્યાં હતાં. લંચ દરમિયાન તેમણે ધીરજપૂર્વક વડા પ્રધાનનું ભાષણ સાંભળ્યું હતું અને તેમની સાથે વાતચીત કરી હતી.
તાજેતરના વર્ષોમાં, કિસિંજરે યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ (યુએસઆઈએસપીએફ) બેઠકમાં જૂન 2018માં ભારત વિશેના તેમના વિચારો જાહેર કર્યાં હતા. તે સમયે તેમણે જણાવ્યું હતું કે “જ્યારે હું ભારત વિશે વિચારું છું, ત્યારે હું તેમની વ્યૂહરચનાની પ્રશંસા કરું છું.”
ભારત સાથેના તેમના સંબંધો 1970ના દાયકામાં શરૂ થયા હતાં. તેમની સલાહ પર 70ના દાયકામાં યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી)ની સ્થાપના થઈ હતી.આર્કાઇવલ રાજદ્વારી વાર્તાલાપ મુજબ, 1972ની શરૂઆતમાં તેમણે ભારત અને જાપાનને યુએન સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવાની હિમાયત કરી હતી.
નિષ્ણાતોના મતે કિસિંજર અને તત્કાલિન પ્રેસિડન્ટ રિચર્ડ નિક્સન બંને તત્કાલીન ભારતીય વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે સારા સંબંધ રાખી શક્યા ન હતાં અને તેઓએ તેમનું ધ્યાન ચીન તરફ વાળ્યું હતું.
શીત યુદ્ધના અંત પછી અને એક મજબૂત શક્તિ તરીકે ભારતના ઉદભવ પછી ભારત વિશેના તેમના વિચારો બદલાઈ ગયા હતાં અને પછીની અમેરિકી સરકારો દરમિયાન કિસિંજર ભારત સાથે મજબૂત સંબંધોની હિમાયત કરી રહ્યા છે.
ગોપનીય દસ્તાવેજો મુજબ 16 ડિસેમ્બર, 1971ના રોજ ઢાકા આઝાદ થયાના એક દિવસ પછી, તત્કાલિન પ્રેસિડન્ટ નિક્સનને કિસિંજરે કહ્યું હતું કે તેમણે “પશ્ચિમ પાકિસ્તાનને બચાવી લીધું છે.”