જૂના જમાનાની હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગાયક સ્વ. કિશોરકુમારના જીવન આધારિત ફિલ્મ બનાવાની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. અનુરાગ બાસુ અને સુજીત સરકાર જેવા મોટા દિગ્દર્શકોએ કિશોરકુમારના જીવન પર ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે શક્ય બન્યું નથી. અનુરાગે તો આ ફિલ્મમાં કિશોરકુમારના રોલ માટે રણબીર કપૂરની પસંદગી પણ કરી હતી પરંતુ પછી તે વાત આગળ વધી નહોતી. અનુરાગ બાસુ અને રણબીર કપૂર પોતપોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા હતા.
હવે આ ફિલ્મ અંગે નવી ખબર એ આવી છે કે, કિશોરકુમારના પુત્ર અને ગાયક અમિતકુમારે પિતાની બાયોપિકની જવાબદારી લીધી છે. તેમણે સોશિયલ મીડિયાના એક પોર્ટલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મારા પિતાની બાયોપિક મારા કરતાં વધુ કોણ સારી રીતે બનાવી શકશે ?
અમિત કુમારે કહ્યું હતું કે, હું હંમેશાથી બાબુજીના જીવન પર ફિલ્મ બનાવવા ઇચ્છતો હતો. અમારા પરિવાર કરતા તેમને સારી રીતે બીજું કોણ સમજી શકે? અમે ટૂંક સમયમાં જ એ લોકોના ઇન્ટરવ્યુ લેવાનું શરૂ કરીશું જેઓ તેમને સારી રીતે ઓળખતા હતા. મને લાગે છે કે અમને આ તૈયારી કરતા એક વર્ષ થશે આ પછી જ અમે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી શકશું. અમે તેમની જિંદગી સાથે જોડાયેલી દરેક પળ આ ફિલ્મમાં સમાવવા ઇચ્છીએ છીએ. જોકે કિશોરકુમારની ભૂમિકા કોણ ભજવશે તેની સ્પષ્ટતા અમિતકુમારે કરી નથી.