ફ્યુચર ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કિશોર બિયાની સામે સેબીએ મૂકેલા પ્રતિબંધ સામે સિક્યુરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલે સોમવારે સ્ટે આપ્યો હતો, એમ ગ્રૂપ કંપનીએ જણાવ્યું હતું. 2017ના ઇન્સાઇડર ટ્રેડિંગના આરોપમાં મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીએ ત્રણ ફેબ્રુઆરી 2021ના રોજ બિયાની અને અન્ય પ્રમોટર્સ પર મૂડીબજારમાં પ્રવેશ પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. આ આદેશને ટ્રિબ્યુનલમાં પડકારવામાં આવ્યો હતો.
ટ્રિબ્યુનલે ફ્યુચર ગ્રુપના પ્રમોટરોને વચગાળાના ઉપાય તરીકે રૂ.11 કરોડ જમા કરાવવાની સૂચના આપી હતી. સેબીએ બિયાની સહિત અન્ય બે પ્રમોટરો ઉપર શેરબજારના કામકાજ પર એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. ફ્યુચર કોર્પોરેટ રિસોર્સ પ્રાઇવેટ લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે SATએ 15 ફેબ્રુઆરી 2021ના રોજ થયેલ એક સુનાવણીમાં સેબીના તે આદેશ પર સ્ટે મૂક્યો છે, જેમાં ફ્યુચર રિટેલના શેરોને માર્ચ 2017માં થયેલ એક ખરીદીને લઈને ફ્યુચર ગ્રુપના પ્રમોટર પર શંકાસ્પદ કારોબાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.