Kishan Bhatt Jailed

પોલીસ અધિકારી અને બેંક સ્ટાફનો સ્વાંગ રચીને નવ જેટલા અબાલવૃદ્ધોને નિશાન બનાવીને કુલ £260,000થી વધુ રકમની છેતરપિંડી કરનાર 28 વર્ષના કિશન ભટ્ટને લંડનની સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટે આઠ વર્ષની જેલની સજા ફટકારી હતી. તેણે કરેલા ઠગાઇના કેટલાય પ્રયાસોને તો નાણાકીય સંસ્થાઓ અથવા જ્વાલર્સ દ્વારા નાકામ કરવામાં આવ્યા હતા.

4 એપ્રિલ 2022ના રોજ, કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટે ગ્લેનવુડ રોડ, હેરીંગેના 35 વર્ષના આર્ટિઓમ કિસેલિઓવને ખોટી રજૂઆત દ્વારા છેતરપિંડી કરવાના આરોપસર સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી.

ગત તા. 26 જાન્યુઆરી 2022ના રોજ શંકા જતા એક જ્વેલરે પોલીસનો સંપર્ક કર્યા બાદ પોલીસે કોલચેસ્ટરમાં રહેતી 90 વર્ષીય મહિલાના ઘરની મુલાકાત લીઘી હતી. એક વ્યક્તિએ પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપીને આ મહિલાનો ફોન પર જણાવ્યું હતું કે ‘’મેં તમારા બેંક કાર્ડ સાથે એક પુરુષની ધરપકડ કરી છે અને તમારા પૈસાની સુરક્ષા કરવા માટે સોના અને ઝવેરાતમાં રોકાણ કરવાની જરૂર છે. છેતરપિંડી કરનારાઓ તે લુંટી શકશે નહિં.’’ ત્યાર પછી તે ફોન લાઇન બીજા સાગરીતને પાસ કરાઇ હતી.

તે પછી બે અઠવાડિયાના સમયગાળામાં £90,000થી વધુની મોંઘી ઘડિયાળો ખરીદવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ કિસેલિઓવ અનેક પ્રસંગોએ આ ઘડિયાળો એકત્રિત કરવા માટે તેના ઘરે ગયો હતો. 25 જાન્યુઆરી 2022ના રોજ, કિશન ભટ્ટ અને કિસેલિઓવ તેણીને સોનું ખરીદવા હેટન ગાર્ડનમાં જ્વેલર્સને ત્યાં લઈ ગયા હતા. આ સમય દરમિયાન તે વૃધ્ધા એમ જ માનતી હતી કે તેણી પોલીસને તેમની તપાસમાં મદદ કરી રહી છે. તે જ્વેલર્સે વૃધ્ધા પાસે આઈડી માંગી તેને બીજા દિવસે પરત આવવા કહ્યું હતું. કિશન ભટ્ટ અને તેનો સાગરીત મહિલાને બીજા વધુ જ્વેલરી સ્ટોર્સમાં લઈ જઇ સોનાની ખરીદી કરાઇ હતી.

જ્વેલર્સે પોલીસને એલર્ટ કરતા પોલીસે વૃધ્ધાને જ્વેલર્સ સુધી લાવવા વપરાયેલ વાહનની ઓળખ કરી ભટ્ટનો ફોન નંબર શોધી કાઢ્યો હતો. વાહન મળતા પોલીસને તેમાંથી પેટ્રોલ સ્ટેશનમાંથી કિસેલિઓવો ખરીદેલી કોફીની રીસીપ્ટ મળી આવતા પોલીસે કિસેલિયોવની ધરપકડ કરી હતી. તે પછી પોલીસે ફિન્સબરી પાર્કની હોટલમાં રહેતા ભટ્ટની ધરપકડ કરી હતી. તેના ડિજિટલ ઉપકરણોના આધારે પોલીસને છેતરપિંડીના નોંધપાત્ર પુરાવા મળ્યા હતા.

તે પરથી સ્થાપિત થયું હતું કે ભટ્ટે સપ્ટેમ્બર 2020 અને મે 2022ની વચ્ચે 29થી 90ની વચ્ચે બેંક કર્મચારી, મકાનમાલિક અને પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી લોકોનો વિશ્વાસ કેળવી તેમના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

મોટાભાગના કૌભાંડોમાં ચોરાયેલી રકમ બેંકો દ્વારા પરત કરવામાં આવી છે.

LEAVE A REPLY