હિથ્રો એરપોર્ટ પર ટર્મિનલ 2 પર કામ કરતા બેગેજ હેન્ડલર ક્રિશન ભારદ્વાજે તેના બોસ સાથેની શ્રેણીબદ્ધ ટીખળો ખૂબ જ આગળ વધી ગયા પછી નોકરીમાંથી કાઢી મૂકવાનો અયોગ્ય બરતરફીનો દાવો જીતી લીધો છે. જો કે ભારદ્વાજે વંશીય અને જાતીય સતામણીનો દાવો ગુમાવ્યો હતો.
વોટફર્ડ ટ્રિબ્યુનલમાં જણાવાયું હતું કે ‘’ ક્રિશને લગભગ 14 વર્ષ સુધી બેગેજ હેન્ડલર તરીકે કામ કર્યું હતું. ક્રિશન અને તેની મેનેજર જેમ્સ લી વચ્ચે મજાક મશ્કરીના સંબંધો હતા અને તેઓ નિયમિતપણે કોમ્યુનલ સ્ટાફ એરિયામાં એકબીજાની મજાક ઉડાવતા હતા. પરંતુ લીએ જ્યારે તેમની મશ્કરી વ્યક્તિગત બનતા તેણે ભારદ્વાજની વર્તણૂક વિશે ફરિયાદ કરી હતી હતી. શરૂઆતમાં, ભારદ્વાજે તે ફરિયાદોને અવગણી હતી પરંતુ આખરે શિસ્તભંગની તપાસ બાદ ક્રિશનને બરતરફ કરાયો હતો.
લીએ એકવાર કોલીગ્સના ‘લોટરી સિન્ડિકેટ’ વોટ્સએપ ગ્રુપમાં ભારદ્વાજના ચહેરાના નાકની જગ્યાએ શિશ્ન ચોંટાડાલો ફોટો પોસ્ટ કર્યો હતો. ભારદ્વાજના જણાવ્યા અનુસાર, લીનું ‘અયોગ્ય વર્તન’ એપ્રિલ અને જૂન વચ્ચે વધવા લાગ્યું.
સુનાવણી બાદ, એમ્પ્લોયમેન્ટ જજ પેટ્રિક ક્વિલે ચુકાદો આપ્યો હતો કે ભારદ્વાજને લોજિસ્ટિક્સ કંપની દુબઈ નેશનલ એર ટ્રાવેલ એજન્સી (ડ્નાટા) દ્વારા અન્યાયી રીતે બરતરફ કરવામાં આવ્યો હતો અને વળતર નક્કી કરવા માટે યોગ્ય સમયે સુનાવણી હાથ ધરાશે.
2019માં ભારદ્વાજે તેના બોસને તેઓ જે ફ્લાઇટ પર કામ કરતા હતા તેની સલામતીના સંભવિત જોખમ વિશે સલાહ આપી હતી. લીએ શરૂમાં આ મુદ્દા પર ધ્યાન આપ્યું ન હતું પણ માહિતી ડ્યુટી મેનેજરને રીફર કરાઇ હતી.
ભારદ્વાજે ફરિયાદ કરી હતી કે લી તેને પાછળથી ‘આલિંગન’ આપતો હતો જે તેને ગમતું ન હતું. એપ્રિલ 2019માં તેમના બ્રેક રૂમની બહાર તેમના વચ્ચે થયેલા મતભેદમાં લીએ તેને ‘પા*’ અને ‘બિગ નોઝ’ કહ્યો હતો અને કહ્યું હતું કે તે ‘ખાતરી કરશે’ કે તે તેની નોકરી ગુમાવે. બદલામાં ભારદ્વાજે તેના બોસને ‘સ્ટુપિડ સી***’ કહી ‘હું તેને પછાડી દઈશ’ એમ કહ્યું હતું. આ ઘટનાને તેમની જાણ બહાર અન્ય સાથીદારે રેકોર્ડ કરી હતી. જે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે અપીલની સુનાવણી સુધી જાહેર કરાઇ ન હતી.
ટર્મિનલ બિઝનેસ મેનેજર સ્ટીવન સ્મિથની આગેવાની હેઠળ આરોપોની તપાસમાં ભારદ્વાજે દાવો કર્યો હતો કે લી પ્રત્યેનું તેનું વર્તન માત્ર ‘મશ્કરી’ હતું અને ‘તે મારા લોહીમાં છે’.
ભારદ્વાજને જુલાઈના અંતમાં ગંભીર ગેરવર્તણૂક માટે બરતરફ કરાયો હતો. તે સામે કરેલી અપીલની સુનાવણીમાં ભારદ્વાજ ઓડિયો રેકોર્ડિંગ સાંભળીને ચોંકી ગયો હતો. તેની અપીલ નકારવામાં આવતા તેણે ટ્રિબ્યુનલમાં દાવો કર્યો હતો.