લોકસભાની ચૂંટણીના બરાબર એક વર્ષ પહેલા કિરણ રિજિજુને ગુરુવારે કેન્દ્રીય કાયદા પ્રધાન પદેથી હટાવી દેવામાં આવ્યાં હતાં અને તેમના સ્થાને અર્જુન રામ મેઘવાલ કાયદા પ્રધાન બનાવવામાં આવ્યા છે. મોદી સરકારના સૌથી વધુ હાઇ પ્રોફાઇલ પ્રધાનોમાં સામેલ અને ટ્રબલશૂટર તરીકે ઓળખતા રિજિજુને ઓછા મહત્ત્વના અર્થ સાયન્સ મંત્રાલયમાં ખસેડવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા તેમને કેબિનેટના દરજ્જા સાથે કાયદા મંત્રાલયમાં પ્રમોશન મળ્યું હતું.
કિરણ રિજિજુને કાયદા મંત્રાલયમાંથી ખસેડ્યાના કલાકો પછી, કેન્દ્રએ ગુરુવારે રાજ્ય પ્રધાન પ્રોફેસર એસ પી બઘેલને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં ખસેડયા હતા. અર્જુન રામ મેઘવાલને કાયદા અને ન્યાય મંત્રાલયના સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા પછી આ જરૂરી હતું. પરંપરા અનુસાર, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય પ્રધાનના નેતૃત્વ હેઠળના મંત્રાલયમાં ડેપ્યુટી પ્રધાન હોતા નથી.
સંસદીય બાબતોના પ્રભારી રાજ્ય પ્રધાન અર્જુન રામ મેઘવાલ પાસે હવે કાયદા મંત્રાલયનો સ્વતંત્ર હવાલો પણ રહેશે. તાજેતરના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે કાયદા પ્રધાન કેબિનેટ રેન્કના નથી. રિજિજુએ તેમના ભૂતપૂર્વ મંત્રાલય માટે એક નોટ પોસ્ટ કરી હતી તથા ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને તમામ ન્યાયાધીશોનો આભાર માન્યો.
ન્યાયાધીશોની નિમણૂક પર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે મતભેદ સર્જાઇ રહ્યાં છે ત્યારે નવા કાયદા પ્રધાન બનાવવામાં આવ્યાં છે. રિજિજુનો ટૂંકો કાર્યકાળ વિવાદાસ્પદ હતો. સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે અવારનવાર ચાલતી તકરાર તથા ન્યાયાધીશોની નિમણૂક કરતી કોલેજિયમ સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટની તેમણે ખુલ્લી ટીકા કરી હતી.