NHS ઓલિટરનેટીવ મેડિસીન ક્લિનિકની સ્થાપનામાં નિષ્ફળ ગયા બાદ ફાઉન્ડેશનને ભારત સરકાર દ્વારા અપાયેલ £110,000ની રકમ પરત કરવાની ફરજ પડી રહી છે. પ્રિન્સ ચાર્લ્સે તે વખતે લંડન સેન્ટર સ્થાપવાની આશા વ્યક્ત કરી હતી પરંતુ NHS ક્યારેય આ યોજના માટે સંમત થયું ન હતું.
એપ્રિલ 2018માં, તત્કાલિન પ્રિન્સ ચાર્લ્સે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વેસ્ટ લંડનના કેન્સિંગ્ટનમાં આવેલ સેન્ટ ચાર્લ્સ હોસ્પિટલ ખાતે NHS સેન્ટર, “સેન્ટર ઓફ એક્સેલન્સ એન્ડ રીસર્ચ એન્ડ ઇન્ડિયન ટ્રેડીશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કરતી તકતીનું અનાવરણ કર્યું હતું. આ યોજના હેઠળ, સ્થાનિક GP દર્દીઓને “આયુષ” સારવાર માટે રીફર કરવાના હતા. આ શબ્દ આયુર્વેદ, ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ, યોગ, નિસર્ગોપચાર અને હોમિયોપેથી સહિતની પદ્ધતિઓનો સંદર્ભ આપે છે.
ભારત સરકારે આ માટે કિંગ્સ ફાઉન્ડેશનને £110,000ની ચુકવણી કરી હતી. જે તે સમયે પ્રિન્સ ફાઉન્ડેશન તરીકે જાણીતું હતું.
આ પ્રોજેક્ટમાં પાર્ટ-ટાઇમ જીપી અને ડેવોનના હોમિયોપેથી એડવોકેટ ડૉ. માઇકલ ડિક્સન અને બેંગ્લોરમાં હોમિયોપેથિક યોગ રીટ્રીટ, સૌક્યા ચલાવતા ડૉક્ટર આઇઝેક મથાઇનો સમાવેશ થાય છે. ચાર્લ્સે એક વખત અને તેમની પત્ની કેમિલાએ સૌક્યાની આઠ વખત મુલાકાત લીધી છે.