બ્રિટનના રાજા ચાર્લ્સ III એ ઇસ્ટર્ન ઈંગ્લેન્ડના બેડફર્ડશાયરમાં આવેલા લુટનમાં નવા ગુરુ નાનક ગુરુદ્વારાનું ઉદ્ઘાટન કરી ‘લંગર’ તૈયાર કરનારા અને સ્થાનિક સમુદાયમાં કામ કરતા સ્વયંસેવકો સાથે વાતચીત કરી હતી.
રાજા તરીકેના તેમના પ્રથમ પ્રવાસ દરમિયાન લુટનની મુલાકાત લેનાર 74-વર્ષીય રાજાએ ગત તા. 5ના રોજ મંગળવારે ગુરુદ્વારાના રસોડાની મુલાકાત લીધી હતી. તેમને દરરોજ લંગર માટે ગરમ થતા શાકાહારી ભોજન અંગેની તૈયારીઓ બતાવી રોગચાળા દરમિયાન પોપ-અપ કોવિડ વેક્સીન ક્લિનિક સાથેના સંકલિત કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી. કિંગ ચાર્લ્સ ‘ગુરુ ગ્રંથ સાહિબ’માંથી ‘કીર્તન’ અને ‘હુકમનામા’ સાંભળવા માટે ગુરુદ્વારાના દીવાન હોલમાં સમુદાયના નેતાઓ સાથે પણ બેઠા હતા.
ભારતીય મૂળના સ્થાનિક શીખ મંડળના સભ્ય અને યુનિવર્સિટી ઓફ બેડફર્ડશાયર ખાતે ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચના ડિરેક્ટર પ્રોફેસર ગુર્ચ રંધાવાએ ગુરુદ્વારામાં રાજાને શુભેચ્છા પાઠવી હતી તેમની મુલાકાતને “અતિશય શુભ” ગણાવી હતી.
ગુરૂદ્વારાના સ્વયંસેવકો દ્વારા અઠવાડિયા દરમિયાન દરરોજ 500 લોકો માટે અને વિકેન્ડ 1,000 લોકો માટે ભોજન બનાવવામાં આવે છે. લુટન શીખ સૂપ કિચનના સ્વયંસેવકો લુટન ટાઉન હોલની બહાર રવિવારે 150 લોકોને ભોજન પીરસે છે. કિંગ કીર્તન શીખી રહેલા બાળકોને પણ મળ્યા હતા અને તેમને શબદ વગાડતા સાંભળ્યા હતા.
લુટનના શાહી પ્રવાસ દરમિયાન રાજાએ શહેરની ડાયરેક્ટ એર-રેલ ટ્રાન્ઝિટ (DART) સેવાની સવારી પણ કરી હતી. DART એ ઉર્જા-કાર્યક્ષમ, ઇલેક્ટ્રિક કેબલ કાર છે જે લુટન પાર્કવેથી ચાર મિનિટમાં એરપોર્ટ જાય છે અને કાર્બન ઉત્સર્જનમાં 70 ટકાનો ઘટાડો કરશે. કિંગે DART પર કામ કરતા સ્ટાફ અને એપ્રેન્ટિસને મળ્યા હતા.
આ શાહી પ્રવાસની શરૂઆતમાં જ્યારે ચાર્લ્સ લુટન ટાઉન સેન્ટરના વોકઆઉટ પર હતા ત્યારે તેમના પર ઈંડા ફેંકાયા હતા. બેડફોર્ડશાયર પોલીસે 20 વર્ષની વયના એક વ્યક્તિની અટકાયત કરી હતી.