King Charles III and Queen Camilla (Photo by Chris Jackson/Getty Images)

મહારાજા કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા તા. 29ના રોજ જાહેર કરાયેલ નવા વર્ષની સન્માન સૂચિમાં ભૂતપૂર્વ ચાન્સેલર અને હોમ સેક્રેટરી સાજિદ જાવિદ તથા પ્રોફેસર અમૃતપાલ સિંહ હંગિનને નાઈટહૂડ સાથે સંખ્યાબંધ બ્રિટિશ એશિયનોની સિદ્ધિઓને માન્યતા આપવામાં આવી હતી.

આ વર્ષના ઓનર્સ લિસ્ટમાં એવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેમણે જરૂરિયાતમંદ લોકોને ઉદાર હાથે સહાય આપીને સમર્પિત કોમ્યુનિટી ચેમ્પિયન, રમતગમતમાં રોલ મોડલ, કળામાં અગ્રણી, પ્રખર હેલ્થ વર્કર્સ અને યુવાનોના સમર્થકો તરીકે ઓળખવામાં આવે છે.

વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી આવતા 13.8 ટકા એવોર્ડ મેળવનારા લોકોમાં ડોકટરો, રાજકારણીઓ, શિક્ષણવિદો, લેખકો, સમુદાયના નેતાઓ, સમાનતા અને વિવિધતાના ચેમ્પિયન અને પરોપકારીઓ સાથે, આ યાદી બ્રિટિશ એશિયનોએ રાષ્ટ્રમાં આપેલા મોટા યોગદાનને દર્શાવે છે.

જાણીતા બેંકર અને ફિલાન્થ્રોપિસ્ટ તથા રોથેસે લિમિટેડના વડા નગીબ ખેરાજને તેમની બિઝનેસ અને અર્થવ્યવસ્થા માટેની સેવાઓ બદલ CBE એવોર્ડ એનાયત કરાયો છે. તો અગ્રણી મહિલાઓમાં કોલચેસ્ટર, એસેક્સના સિનિયર ક્લિનિકલ ફેલો, ઈમ્પિરિયલ કૉલેજ લંડનના ડૉ. માલા રાવ, OBEને પબ્લિક હેલ્થ, NHS અને ઇક્વાલીટી એન્ડ ડાયવર્સીટીની સેવાઓ માટે CBE એવોર્ડ એનાયત કરાયો છે.

પુરસ્કાર મેળવનારા 1,227 લોકોમાંથી 588 મહિલાઓ છે જે કુલ એવોર્ડના 48 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ વર્ષની યાદીમાં અન્ય અગ્રણી મહિલાઓમાં લંડનના લેટલી પ્રેસિડેન્ટ, ધ સોસાયટી ઑફ ઑક્યુપેશનલ મેડિસિનના ડૉ. શ્રીતિ પટ્ટણીને ઓક્યુપેશનલ હેલ્થની સેવાઓ માટે તથા કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગનના વેલ્સ ગવર્નમેન્ટના રેસ સલાહકાર ઉષાબેન લાડવા – થોમસને  બ્લેક, એશિયન અને માઇનોરીટી એથનિક કોમ્યુનિટીઝની સેવાઓ માટે OBE એવોર્ડ એનાયત કરાયો છે. તો સાંસ્કૃતિક સેવાઓ, ફિલાન્થ્રોપી, બિઝનેસ અને ચેરિટી માટેની સેવાઓ માટે જાણીતા મહિલા અગ્રણી મોની મેનિંગ્સને OBE પ્રાપ્ત થયું છે.

ઇંગ્લિશ ફૂટબોલની ટોચ પર પહોંચવામાં સફળ રહેલા આર્સેનલના સીઈઓ, વિનઈ વેંકટેશમને રમતગમતની સેવાઓ માટે OBE પ્રાપ્ત થયું છે.

હેરો ઈસ્ટ પ્રાઈમરી કેર નેટવર્કના ક્લિનિકલ ડાયરેક્ટર અને પ્રખર હેલ્થ વર્કર્સમાંના એક મીના નાગપોલને MBE એનાયત કરાયો છે. ફૂટબોલમાં થતા ભેદભાવનો વિરોધ કરતી ચેરિટી, ‘કિક ઈટ આઉટ’ના અધ્યક્ષ પોટર્સ બાર, હર્ટફોર્ડશાયરના સંજય ભંડારીને સમાનતા, વિવિધતા અને સમાવેશમાં તેમના કાર્ય માટે MBE એવોર્ડ એનાયત કરાયો છે. તો લંડન્ડેરીના લેટલી ક્લિનિકલ લીડ, ક્રિટિકલ કેરના ડૉ માનવ ભાવસારને  હેલ્થકેરની સેવાઓ માટે (ખાસ કરીને કોવિડ-19 દરમિયાન) MBE એનાયત કરાયો છે.

લંડનના સીનીયર પોલીસી એડવાઇઝર, ડીપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શનના સતીશ મણીલાલ પરમારને જાહેર સેવા માટે તથા બ્લેકબર્ન, લેન્કેશાયરમાં સમુદાયની સેવાઓ માટે ઈમરાન આદમ પટેલને MBE એનાયત કરાયો છે. એડિનબરા હિંદુ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રના વાઇસ ચેર સુમન વ્હોરાને એડિનબરામાં સમુદાયની સેવાઓ માટે MBE એનાયત કરાયો છે.

પેચવે, ગ્લોસ્ટરશાયરમાં રહેતા સાઉથ ગ્લોસ્ટરશાયર કાઉન્સિલના કાઉન્સિલર  અને અધ્યક્ષ તથા BAME કન્ઝર્વેટિવ્સ સંજય શંભુને રાજકીય સેવાઓ માટે તથા બુપાના લેટલી ડિમેન્શિયા લીડ વર્ષા સૂદ-મહિન્દ્રાને કાર્ડિફમાં કોમ્યુનિટી કોહેશન અને ડિમેન્શિયા ધરાવતા લોકોને સેવાઓ માટે (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન) BEM એનાયત કરાયો છે.

LEAVE A REPLY