દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના પ્રસિદ્ધ ફર્નિચર કારીગરે ઝુલુ રાજા મિસુઝુલુ કા ઝ્વેલિથિની માટે દુર્લભ તંબોટીના લાકડામાંથી બે સિંહાસન બનાવવાનો એક ઓર્ડર અટકાવી દીધો છે. રાજવી પરિવારે અગાઉના બાકી લેણાંની ચૂકવણી ન કરી હોવાથી કારીગરે આ નિર્ણય કર્યો છે.
48 વર્ષીય મિસુઝુલુને શનિવારે દક્ષિણ આફ્રિકાની સરકારે ઝુલુ રાજા તરીકે સત્તાવાર રીતે માન્યતા આપી હતી. તે 1971 પછીનો પ્રથમ ઝુલુ રાજ્યાભિષેકમાં હતો. નવા ઝુલુ રાજા દક્ષિણ આફ્રિકાના પરંપરાગત રીતે સૌથી પ્રભાવશાળી રાજાશાહીના વડા તરીકે ઔપચારિક રીતે સિંહાસન પર બેઠા છે. જોકે દુર્લભ લાકડા પર નકશીકામ કરતા કારીગરરાજીવ સિંહે કહ્યું છે કે તેમણે રાજા માટેના બે સિંહાસન માટેનો એક ઓર્ડર અટકાવી દીધો છે.
સિંહે જણાવ્યું હતું કે તેમણે તંબોટી ફર્નિચરની 100,000 રેન્ડ (અંદાજે રૂ.453,710)ની બાકી રકમને લીધે આવું કર્યું છે. આ દેવુ સાત વર્ષ પહેલાં રાજાના સ્વર્ગસ્થ પિતા ગુડવિલ ઝ્વેલિથિનીને આપવામાં આવેલા તંબોટી ફર્નિચર સંબંધિત છે. રાજવી પરિવારે વારંવાર વચનો આપ્યા હતાં, પરંતુ પૈસાની ચૂકવણી ન કરી ન હતી.
સિંહે તાજેતરમાં સન્ડે ટાઇમ્સને જણાવ્યું હતું કે “મેં (નવા ઓર્ડર માટે) કંઈ પણ ડિઝાઇન કર્યું નથી. હું આટલો નિરાશ છું, કારણ કે અમારા નાણા હજુ બાકી છે અને તેઓએ ફરીથી અમારો સંપર્ક કર્યો છે. મેં પ્રતિનિધિને (જેમણે ઓર્ડર આપ્યો હતો) બાકી રકમ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ચૂકવણીનું શું થયું છે તેની તે તપાસ કરશે.” સિંહે ઉમેર્યું હતું કે આ પછી તેમણે આ વ્યક્તિ પાસેથી કંઇ સાંભળ્યું નથી.
સિંહે જણાવ્યું હતું કે “આ જ ઓફિસમાંથી વિનંતી આવી હતી. જો અમે આ ઑર્ડર કરીશું, તો અમને ચૂકવણી કરવામાં આવશે, તેની શું ખાતરી? તેમણે અમને પેમેન્ટ કર્યું નથી. તમે રાજવી હોઈ શકો છો, પરંતુ જો તમે કંઈક ખરીદો છો, તો તમારે તેના માટે ચૂકવણી કરવી પડશે.”
ઝુલુ રોયલ પ્રવક્તાએ આ મુદ્દે સવાલનો જવાબ આપ્યો ન હતો. સિંહના પિતા કુબેર ઉદેવ સિંહ નાણાંની વસૂલાત માટે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
દાયકાઓથી રાષ્ટ્રના વડાઓ અને અન્ય હસ્તીઓને ભેટમાં આપવામાં આવતા તંબોટી ફર્નિચર માટે કુબેર સિંહ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તંબોટીના લાકડામાં સિંહની અનોખી કોતરણીની કલાકૃતિ બ્રિટિશ પરિવારના કેટલાક સભ્યોને મોકલવામાં આવી છે, જેમાં યુકેની સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II માટે જ્વેલરી બોક્સનો પણ સમાવેશ થાય છે. તેમને પ્રિન્સ ચાર્લ્સ- ડાયના સ્પેન્સરના લગ્ન માટેનું આમંત્રણ મળ્યું હતું અને તેમણે કન્યાને જ્વેલરી બોક્સ પણ ભેટમાં આપ્યું હતું. તેમણે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખો નેલ્સન મંડેલા અને થાબો મ્બેકી તેમજ યુએસ પ્રમુખો રોનાલ્ડ રેગન અને જ્યોર્જ બુશને પોતાના હાથથી કોતરેલી વસ્તુઓ ભેટમાં આપી છે.
સિંહની આઈટમો 1,200 વર્ષ સુધી જૂના વૃક્ષોમાંથી તંબોટી હાર્ડવુડમાંથી બનાવવામાં આવે છે. કોતરકામ કરવામાં આવે ત્યારે તંબોટીના લાકડામાંથી સુગંધિત, મસાલેદાર ખુશબુ આવે છે અને તે વાસ્તવમાં વર્ષો સુધી ટકી શકે છે.